Get The App

સુરત શિક્ષણ સમિતિના વહિવટમાં નિષ્ફળ સાબિત થયેલા અને વિવાદમાં સપડાયેલા અધ્યક્ષ ધનેશ શાહનું રાજીનામું લઈ લેવાયું

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
સુરત શિક્ષણ સમિતિના વહિવટમાં નિષ્ફળ સાબિત થયેલા અને વિવાદમાં સપડાયેલા અધ્યક્ષ ધનેશ શાહનું રાજીનામું લઈ લેવાયું 1 - image


- શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ કોણ બનશે તે અંગે અનેક અટકળ

- સભ્યો વિરૂઘ્ઘ લખાયેલા પત્રોમાં પણ વિવાદ થતા તેમની પાસે થોડા દિવસ પહેલા અધ્યક્ષ સાથે સભ્યપદેથી પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું : પત્રિકા કાંડમાં સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતા

સુરત,તા.06 ફેબ્રુઆરી 2024,મંગળવાર

સતત વિવાદમાં રહેતી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વધુ એક વિવાદમાં આવી છે. સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષની ટર્મ પુરી થાય તે પહેલાં તેમની પાસે અધ્યક્ષ ઉપરાંત સમિતિના સભ્યપદેથી પણ રાજીનામું લઈ લેવામાં આવતા સુરતના રાજકારણાં સોપો પડી ગયો છે. તેમની પાસેથી પાંચેક દિવસ પહેલા રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું હવે અધ્યક્ષ તરીકેનો ચાર્જ કોને સોંપવામાં આવશે તે અંગે અનેક અટકળો શરુ થઈ ગઈ છે. સંભવતઃર આજે ઈનચાર્જ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર કોઈને સોંપવામા આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. 

સમિતિના વહિવટમાં સદંતર નિષ્ફળ ગયેલા અને પત્રિકા કાંડમાં તેમના પર આક્ષેપ થતાં ભાજપે કડકાઈ દાખવીને સમિતિ અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લખાવી દીધું છે જેના કારણે આગામી દિવસોમાં હવે શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ જોવા મળશે.

 સુરત પાલિકાની ચૂંટણી બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન માટે અનેક દાવેદાર હોવા છતાં પૂર્વ સભ્ય એવા ધનેશ શાહને  શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ધનેશ શાહ અધ્યક્ષ બન્યા બાદ શિક્ષણ સમિતિની સામાન્ય સભા પાંચેક મિનિટ માં જ પુરી કરી દેવામાં આવતી હતી તેના કારણે વિવાદ ઉભો થયો હતો. વિપક્ષના આક્ષેપ ના તમામ જવાબ સભ્યો આપી શકે તેમ હોવા છતાં સભા મિનિટમાં આટોપી લેવાતા તેમને ભાજપે ઠપકો પણ આપ્યો હતો. ત્યારબાદ સામાન્ય સભા રાબેતા મુજબ ચાલતી હતી. પરંતુ સંચાલનમાં અધ્યક્ષ કાચા પડતા હોવાથી અનેક વખત ભાજપ સભામાં બેકફૂટ પર આવી ગયું હતું

શિક્ષણ સમિતિમાં છેલ્લા કેટલાક વખતથી સભ્યોની પ્રતિષ્ઠાને લાંછન લાગે તેવા લેટર વહેતા થયા હતા. ભાજપના સભ્યોની વિરુદ્ધમાં લખાયેલા પત્રો અંગે ભાજપને ફરિયાદ મળી હતી. આ પત્રો અંગે તપાસ કરતાં તેમાં અધ્યક્ષની ભૂમિકા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ ઉપરાંત આ અંગેની ગંભીર ફરિયાદ સાથે સીસી ટીવી ની ચકાસણી પણ થઈ રહી છે. સીસીટીવી ફુટેજના કારણે આ પત્રિકા કાંડમાં કોની ભુમિકા છે તે બહાર આવશે. આ ઉપરાંત આ મુદ્દે પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. 

ભાજપના જ સભ્યો વિરુધ્દ લખાયેલા કેટલાક લેટર ભાજપની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી શકે તેમ છે. આગામી દિવસોમાં લોકસભાની ચુંટણી આવે છે તેમાં પણ આ મુદ્દો ઉછળી શકે તેમ હોવાથી ભાજપે આ મુદ્દાને ઘણો જ ગંભીરતાથી લઈને જેમની સામે પ્રશ્નો ઉભા થયાં છે તેવા સમિતિના નિષ્ફળ અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી ચાર પાંચ દિવસ પહેલા રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. તેમને માત્ર અધ્યક્ષ પદેથી નહી પરંતુ સભ્યપદેથી પણ રાજીનામું લઈ હકાલપટ્ટી કરવામાં આવી છે. 

સમગ્ર ઘટના અંગે જેમના પર ગંભીર આક્ષેપ થઈ રહ્યાં છે તેવા સમિતિના અધ્યક્ષ ધનેશ શાહનો પક્ષ જાણવા માટે પ્રયાસ કર્યા હતા પરંતુ તેમનો ફોન સતત ચારેક દિવસથી બંધ છે તેથી તેમનો અભિપ્રાય જાણી શકાયો નથી. બીજી તરફ ભાજપના નેતાઓ પણ આ મુદ્દો સત્તાવાર નિદેવન આપવા તૈયાર નથી પરંતુ અંગત કારણોસર રાજીનામું આપ્યું હશે તેવું રટણ કરી રહ્યાં છે. 

જોકે,ટર્મ પુરી થાય તે પહેલાં શિક્ષણ સમિતના અધ્યક્ષનું રાજીનામું લઈ લેવાયું તે મુદ્દો હોટ ટોપીક બની ગયો છે. આ ઉપરાંત હવે આગામી દિવસોમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે કોને ચાર્જ સોંપવામા આવશે તે અંગે પણ અનેક અટકળો શરુ થઈ ગઈ છે.


Google NewsGoogle News