શિવરાત્રીમાં ઉજ્જૈન મહાકાલને સુરતના ભક્તો શણગાર ચઢાવવા ઉતાવળા
- ચૈત્રી નવરાત્રી દરમિયાન વણી પાસે આવેલા સપ્તશૃંગી મંદિરમાં સુરતના ભક્તોએ માતાજીના માટે સુરતના કારીગરો પાસે ખાસ શણગાર બનાવડાવ્યો
સુરત,તા.04 માર્ચ 2024,સોમવાર
આગામી દિવસોમાં શિવરાત્રી અને ચૈત્રી નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરતના શિવ ભક્તો અને માતાજીના ભક્તોની શ્રદ્ધા અને આસ્થામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન સુરતના ભક્તો માતાના મંદિરે જ્યારે શિવ ભક્તો મહાદેવ મંદિરે જઈ દર્શન કરે છે. પરંતુ કેટલાક શિવ ભક્તો અને માતાજીના ભક્તો સુરતથી માતાજી અને શિવજીના આભૂષણ તૈયાર કરાવીને આ તહેવાર દરમિયાન અર્પણ કરવા જઈ રહ્યા છે. જેના ભાગરૂપે આ શિવરાત્રી દરમિયાન સુરતના ભક્તો દ્વારા તૈયાર કરાવેલા આભૂષણ ભગવાનની શોભામાં વધારો કરશે.
કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક અને જ્યોતિર્લિંગ એવા ઉજ્જૈન મહાકાલ શિવલિંગ પર આગામી શિવરાત્રીએ સુરતના ભક્તો દ્વારા આપવામા આવેલા શણગાર માટે તૈયારી થઈ રહી છે. સુરતના એક ભક્તે સુરતમાં જ શિવલિંગ પર ચાંદીના આભૂષણ અને તેના પર મીનાકારી કરી આકર્ષક આભૂષણ તૈયાર કરી રહ્યાં છે. જ્યારે અન્ય એક માતાજીના ભક્તે સપ્તશૃંગી માતાજી માટે આભૂષણ તૈયાર કરાવ્યા છે. આવા ભક્તોના કારણે ભગવાનના આભૂષણ બનાવતા કારીગરોને રોજીરોટી મળી રહી છે અને તેના કારણે સુરતમાં બેલા આભુષણ દેશના પ્રખ્યાત મંદિરના દેવને ચઢી રહ્યા છે.
સુરતના શિવ ભક્ત એવા ગોપાલ લાભા કહે છે, હું છેલ્લા ઘણા વર્ષોથી શિવરાત્રીમાં મહાકાલેશ્વરના દર્શન કરવા જાઉં છું આ શિવરાત્રી કે આસપાસના દિવસોમાં ભગવાનને જે શણગાર કરવામાં આવે છે તે શણગાર કરાવવા માટે અમારી ઈચ્છા હતી તેના કારણે અમે અમારા વિસ્તારમાં મહિધરપુરા ઘીયા શેરીમાં આવેલ રાજેશભાઈ પંચીગર પાસે ઉજ્જૈન શ્રી મહાકાલેશ્વરદાદા માટે ચાંદી અને રત્નો મીનાકારીથી સુશોભિત નેત્ર, ત્રિપુંડ, નાગદાદા, સૂરજ, ચંદ્રના તિલક અને નાગદાદાના કુંડળ તથા મૂઘટનો શ્રૃંગાર બનાવડાવ્યો છે અને તેના પર સુરેશભાઈ કોરપે પાસે મીના કારીગરી કરાવવામા આવી છે તેના કારણે આ શૃંગારની શોભામાં વધારો થઈ રહ્યો છે. આમ તો અમે શિવરાત્રીના દિવસે જ આ શણગાર થાય તેવો આગ્રહ રાખીએ છીએ પરંતુ શક્યતા ન હોય તો તેની આસપાસના દિવસે શિવજીને આ શણગાર કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરી રહ્યાં છે.
આવી જ રીતે માતાજીના કેટલાક ભક્તોનું ગ્રુપ છે આ ગ્રુપ દ્વારા નાસીક નજીક આવેલા વણીના પરેશભાઈ ચોકસી, જીતુભાઈ જરીવાલાએ ભેગા મળીને માતાજી માટે ચાંદીના મીનાકારી વાળા આકર્ષક આભૂષણ મોરમુગટ, નથણી, કુંડળ, કમ્મર પટ્ટો અને પાદુકા ચાંદીની બનાવવામા આવી છે. તેના પર આકર્ષક ડિઝાઇન સાથે મીના કામ સુરેશ કોરપે પાસે કરાવવામાં આવ્યું છે. આ શણગાર તેઓ આગામી ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજી ને કરવામાં આવે તે માટે આયોજન કરી રહ્યાં છે. મીના કારીગરી કરનારા સુરેશ કોરપે કહે છે, આમ તો અમે આર્ટીસ્ટ છીએ અને શણગાર કરવો અમારો વ્યવસાય છે. પરંતુ જ્યારે અમે ભગવાન માટે શણગાર કરીએ છીએ ત્યારે તેમાં અમારી પણ ભક્તિ આત્મસાદ કરતા હોવાથી એક અલૌકિક આનંદ થાય છે અને આ આભુષણ વધુ સુંદર બની જાય છે અને આવા કામો કરવા અમારા માટે પણ ગૌરવ છે.
આમ સુરતથી મહાદેવજી અને માતાજીના ભક્તો માટે શણગાર તૈયાર કરવામાં આવી રહ્યાં છે તેના કારણે સુરતમાં ભગવાન માટે ચાંદીના શણગાર બનાવતા કારીગરો સાથે મીના કામ કરતા કારીગરોને રોજીરોટી મળી રહે છે.