સુરત પાલિકાનો વરાછા બી ઝોનમાં સફાયો : 20 દુકાન, એક તબેલો અને ટેમ્પરરી શેડ પોલીસ બંદોબસ્ત સાથે દુર કરાયા
Surat Corporation Demolition : સુરત પાલિકાના વરાછા બી ઝોનમાં સંપૂર્ણ રહેણાંક વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ દુર કરવામાં આવ્યું હતું. પાલિકાએ આ પહેલા નોટિસ આપીને બાંધકામ દુર કરવા માટે સૂચના આપી હતી પરંતુ આ નોટિસ અવગણીને બાંધકામ ચાલુ રાખતા આજે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે 20 દુકાન, એક તબેલો અને ટેમ્પરરી શેડ દુર કરવા સાથે 3011 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવી હતી.
સુરત પાલિકાના વરાછા બી ઝોનમાં અનેક ગેરકાયદે ટેમ્પરરી શેડ હોવાની ફરિયાદ છે તેમાંથી આજે પાલિકાએ ટીપી સ્કીમ નંબર 68 (પુણા- સિમાડા)માં બ્લોક નબર 236, ઓપન પ્લોટ નંબર 36 અને ફાયનલ પ્લોટ નંબર 36માં ગેરકાયદે બાંધકામ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ વિસ્તાર સંપુર્ણ રહેણાંક વિસ્તાર છે અને તેમાં કોમર્શિયલ બાંધકામ કરવાસાથે કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામા આવતી હોય સ્થાનિકો દ્વારા પાલિકાને ફરિયાદ કરવામા આવી હતી. લોકોએ ફરિયાદ કરી હતી કે આ ગેરકાયદે બાંધકામના કારણે ટ્રાફિક સમસ્યા ઉદ્દભવી રહી છે અને રહેણાંક વિસ્તારમાં ન્યુસન્સ ઉભુ થઈ રહ્યું છે.
સ્થાનિકોની ફરિયાદ બાદ પાલિકાના વરાછા બી ઝોન દ્વારા આ ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપી હતી અને સમય આપીને બાંધકામ દુર કરવા માટે સુચના આપી હતી. જો કે, આ જગ્યાના કબ્જેદારોએ પાલિકાની નોટિસને અવગણીને ગેરકાયદે બાંધકામ ચાલુ રાખ્યા હતા. જેના કારણે વરાછા બી ઝોન સરથાણા ઝોન દ્વારા આજે પોલીસ બંદોબસ્ત મેળવીને 20 દુકાન, એક તબેલો અને ટેમ્પરરી શેડ મળી 3011 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવી હતી.