અમેરિકા, બેલ્જિયમ, આફ્રિકામાં વસેલા ગુજરાતીઓમાં નવરાત્રીના ખાસ ચણિયા ચોળીની ડિમાન્ડ
- ૧૦ હજાર થી લઈને ૨.૫ લાખ સુધીના ચણીયા ચોળી પાર્સલ મંગાવી રહ્યા છે
સુરત,તા.27 સપ્ટેમ્બર 2022,મંગળવાર
વિદેશના કોઈ પણ ખૂણે વસેલા ગુજરાતીઓ ઉત્સાહપૂર્વક ગરબા રમીને પોતાનો તહેવાર ઉજવે છે. પરંપાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવા માટે તેઓ ખાસ ચણિયાચોળી પણ ગુજરાતમાંથી જ મંગાવવાનો આગ્રહ રાખે છે. સુરતના ડિઝાઇનરો પાસે આ વર્ષે મોટી સંખ્યામાં ચણિયા ચોળી ના ઓર્ડર જોવા મળી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને અમેરિકા અને બેલ્જિયમ જેવા દેશોમાં પાર્સલ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતીઓ માટે નવરાત્રીનો તહેવાર ખૂબ મહત્ત્વનો હોય છે. વિદેશમાં વસ્યા બાદ પણ ટ્રેડિશનલ ચણીયા ચોળી પહેરીને ગરબા રમવાનો ઉત્સાહ તેઓમાં દર વર્ષે જોવા મળે છે. ત્યાં વસ્યા બાદ પણ પોતાની ટ્રેડિશનલ કપડા પહેરીને નવરાત્રી રમવાની પરંપરા ભુલ્યા નથી. આ માટે તેઓ ક્યાં તો તેઓ રજાના સમયે ખાસ સુરત આવીને ખરીદી કરે છે અથવા તો ડિઝાઇનરો પાસેથી પાર્સલ મંગાવી રહ્યા છે.
આ વર્ષે ચણીયા ચોળીમાં કચ્છી વર્કની સાથે ફ્યુઝન કરેલા વસ્ત્રોની ડીમાન્ડ છે. કચ્છી ભરત વર્ક સાથે કચ્છી અજરખબાટી તથા બાંધણીના વસ્ત્રોની ખરીદી માટે ઓર્ડર તેઓ કરી રહ્યા છે. બજારમાં પ્રિન્ટેડ ચણીયા ચોળીનો ટ્રેન્ડની સાથે ખાસ કરીને બાંધણી, બાટીક, અજરખ પ્રિન્ટ, મશરૂ, મિરર વર્ક, આહિર વર્કવાળા ચણીયા ચોળીની ડિમાન્ડ વિદેશોમાં છે.અવનવી ડિઝાઇનોને માટે તેઓ ૧૦ હજાર થી શરૂ કરીને શરૂ કરીને લાખો રૂપિયા ખર્ચ કરવામાં પણ પાછળ પડી રહ્યા નથી.
આ અંગે ડિઝાઇનર પ્રાચી પટેલે કહ્યું કે, વિદેશમાં રહેતા ગુજરાતીઓ સામાન્ય રીતે નવરાત્રીમાં ઓર્ડર આપતા હોય છે પરંતુ આ વર્ષે ઓર્ડરમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે અમે ખાસ કરીને યુએસ અને બેલ્જિયમમાં ટોટલ ઓર્ડરના અંદાજે ૭૦% જેટલા ઓર્ડર મોકલાવ્યા છે. આ સિવાય આફ્રિકા,દુબઈ અને કેનેડામાં વસતા સુરતી ગુજરાતીઓ એ પણ ઓર્ડર આપ્યા છે. રૂ.૨૦ હજાર થી લઈને ૨.૫ લાખ સુધીના ઓર્ડર અમે પાર્સલ કરાવ્યા છે.
ન્યૂયોર્કમાં રહેતી હેમી પટેલે કહ્યું કે, અહીં પણ નવરાત્રી ટ્રેડિશનલ રીતે જ રમતા હોવાથી અમે ચણીયા ચોળી પહેરવાનો જ આગ્રહ રાખીએ છીએ. આ વર્ષે સુરત ન આવી શકવાને કારણે મેં ડિઝાઇનર પાસે પાર્સલ મંગાવ્યા છે. ફ્યુઝનવર્કના ચણિયાચોળી મને વધુ ગમતા હોવાથી મેં ૪ ચણીયા ચોળીનો ઓર્ડર આપ્યો છે.