સુરતમાં બ્રિજ ખુલ્લો મુક્યાના 24 કલાકમાં પાન-ગુટખાની પિચકારી મારી ગંદો કરી નાંખ્યો
- પાલિકાના બ્રિજ પર કેમેરા મૂકીને ગંદકી કરનારાઓને ઝડપવા આયોજન કરી રહી છે તો બીજી બાજુ પિચકારી મારવાનું શરૂ
સુરત,તા.19 મે 2023,શુક્રવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા વેડ-વરિયાવ બ્રિજ ખુલ્લો મુકાયો અને સુરતીઓએ પિચકારી મારવાનું શરૂ કરી દીધું છે. બ્રિજના લોકાર્પણના 24 કલાક પણ થયા નથી અને સુરતીઓએ પાન ગુટખા ખાઈને બ્રિજને ગંદો કરવાનું શરૂ કરી દીધું છે.
સુરત મહાનગરપાલિકાએ તાપી નદી પર વેડ અને વરિવાયને જોડતો બ્રિજ 118.42 કરોડના ખર્ચે બનાવ્યો છે. આ બ્રિજના કારણે વેડ અને વરિવાય વચ્ચેનું અંતર અડધો કલાક થી ઘટીને દોઢથી બે મીનીટનું થઈ ગયું છે. પાલિકાએ સુરતીઓને શહેરમાં 120 માં અને તાપી નદી પર 16માં બ્રિજની ભેટ આપી છે. પરંતુ કેટલાક સુરતીઓએ આ ભેટને તરત જ ગંદી કરવાનું શરૂ કરી દીધું છે.
કેન્દ્ર સરકારના રેલમંત્રી દર્શના જરદોશે કાલે બ્રિજ ખુલ્લો મુક્યો તેના 24 કલાક પણ થયાં નથી અને સુરતમાં પાન-માવો કે ગુટખા ખાઈને બ્રિજ પર આવેલા વાહન ચાલકોએ બ્રિજ પર પીચકારી મારવાની શરૂ કરી દીધી છે. આ બ્રિજ પરથી પસાર થનારાઓએ બ્રિજને ગંદો કરવાનું પહેલા જ દિવસથી શરૂ કરી દીધું છે. આ પહેલાં શહેરમાં જે બ્રિજ બન્યા છે તે બ્રિજની પણ પહેલા દિવસે આવી જ હાલત જોવા મળી છે. પાલિકા કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવે છે તેને કેટલાક લોકો ગંદો કરતા હોય પાલિકા બ્રિજ પર સીસી કેમેરા મૂકીને ન્યુસન્સ કરતા તત્વોને ઝડપી દંડ વસૂલવા માટે આયોજન કરી રહી છે. પરંતુ પાન માવો ખાઈને પિચકારી મારી પાલિકા કે સરકારી મિલકત ગંદી કરતાં લોકોને પાલિકા કે પોલીસનો કોઈ ડર જ નથી. જેના કારણે હવે પાલિકાએ આ બ્રિજની સફાઈ પાછળ પણ પૈસા ખર્ચવા પડશે તે નક્કી છે.