Get The App

રાંદેર ઝોનમાં પાઈપની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી વાહન ચાલકોને સતત ખતરો

Updated: Dec 6th, 2022


Google NewsGoogle News
રાંદેર ઝોનમાં પાઈપની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી વાહન ચાલકોને સતત ખતરો 1 - image


- પાલનપોર વિસ્તારમાં પાઈપલાઈન નાંખવાની કામગીરી દરમિયાન બેરીકેટ વિના જ થતાં ખોદાણ થી અકસ્માત થઈ રહ્યાં છે

સુરત,તા.6 ડિસેમ્બર 2022,મંગળવાર

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા થતી બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ખતરો થઈ રહ્યો છે. પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ખોદાણ બાદ બેરીકેટ કે અન્ય કોઈ આડાશ ઉભી ન કરી હોવાથી રાત્રીના સમયે અને ટ્રાફિક હોય ત્યારે વાહન ચાલકો ભોગ બની રહ્યા છે. પાલિકા આ અંગે કોઈ પગલાં નહીં ભરે તો કોઈ મોટી દુર્ઘટના થાય અને કોઈનો જીવ જાય તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં છેલ્લા ઘણા વખતથી ડ્રેનેજ લાઈનના પાઇપ બદલવાની કામગીરી ચાલી રહી છે. આ પહેલા વરસાદ વખતે પણ કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવતા પડેલા ખાડામાં કાર ખાબકી હતી અને લોકોને હેરાનગતિ થઈ હતી. ત્યાર બાદ હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા લાઈન નાખવા માટે ખોદાણ કરવામા આવી રહ્યું છે. જેમાં કેટલીક જગ્યાએ ખોદાણ બાદ બેરીકેટ મુકવામાં આવ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ સતત વાહન વ્યવહાર હોય તેવી જગ્યાએ ખોદાણ બાદ કોઈ પ્રકારના બેરીકેટ મુકવામાં આવ્યા નથી કે કોઈ પ્રકારની આડાશ ઉભી કરવામાં આવી નથી.

સુરતના પાલનપુર કેનાલ રોડ પર પાલિકાના બીઆરટીએસ બસ ડેપો નજીક લાઈન માટે ખોદાણ થઈ રહ્યું છે ત્યાં કોઈ પ્રકારની આડાશ ન હોવાથી રાત્રીના સમયે વાહન ચાલકો સીધા ખાડામાં ખાબકી રહ્યાં છે. આવી જ રીતે ટ્રાફિક હોય ત્યારે કેટલાક વાહનો ખાડામાં પડી રહ્યા છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી હોવા છતાં  પાલિકા તંત્રના નબળા સુપરવાઈઝર ના કારણે લોકોની હાલત કફોડી થઈ રહી છે. જો પાલિકા તંત્ર હજી પણ ના જાગે તો કોન્ટ્રાક્ટરની બેદરકારી વાહન ચાલકોનો ભોગ લઈ શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. 


Google NewsGoogle News