સુરત પાલિકા દ્વારા BU પરમીશન વિનાની નાની દુકાનો સીલ પણ ગેરકાયદે એપાર્ટમેન્ટ સામે કોઈ કાર્યવાહી નહીં કરતા વિવાદ
Surat Fire Safety Drive : રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ સુરત પાલિકા દ્વારા પણ બીયુ પરમીશન અને ફાયર એન.ઓ.સી. ન હોય તેવી મિલ્કતોની સીલંગની કામગીરી હાથ ધરી છે. પાલિકાએ અત્યાર સુધીમાં 900 જેટલી પ્રીમાઈસીસ સીલ કરી છે પરંતુ તેમાં કાયદેસર બનેલી નાની દુકાનો સીલ થઈ રહી છે પરંતુ પાલિકા વિસ્તારમાં પાંચથી સાત માળ ગેરકાયદે એપાર્ટમેન્ટ બની ગયા છે તેવી મિલકત સાથે સાથે મોટા ટેમ્પરરી સ્ટ્રકચર સામે પણ કામગીરી કરવામાં આવી ન હોવાથી લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ ફેલાઈ રહ્યો છે.
સુરત પાલિકાની સીલીંગની કામગીરી સામે છેલ્લા કેટલાક દિવસથી પાલિકાના પદાધિકારીઓ સામે અનેક રજૂઆત થઈ રહી છે. પાલિકાના પદાધકારીઓની હાલ રજુઆત થઈ રહી છે તેમાં સૌથી વધુ રજુઆત પાલિકાની કામગીરી ભેદભાવવાળી છે અને નાના લોકોને ટાર્ગેટ કરીને હેરાન કરવામાં આવે છે તેવો સૂર સાંભળવા મળી રહ્યો છે. પાલિકાના પદાધિકારીઓને ગંભીર રજુઆત કરતા લોકોએ જણાવ્યું છે કે, પાલિકા તંત્ર અનાજ કરિયાણાની નાની દુકાન, વાળંદની દુકાન, નાના ક્લીનીંગ, વકીલની ઓફિસ કે અન્ય નાની દુકાન-ઓફિસ વર્ષો જૂની છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકા આ દુકાનો સીલ કરે છે પરંતુ જે એપાર્ટમેન્ટમાં દુકાનો છે તે એપાર્ટમેન્ટ પાસે પણ ફાયર એન.ઓ.સી કે બીયુ પરમિશન નથી તેવી મિલકત સીલ કરવામાં આવતી નથી.
આ ઉપરાંત પાલિકાના કેટલાક ઝોનમાં તો પાંચથી સાત માળના એપાર્ટમેન્ટ આખેઆખા ગેરકાયદેસર બની ગયાં છે તેની સામે પણ પાલિકા તંત્ર કોઈ કામગીરી કરતું નથી. આ ઉપરાંત ટેમ્પરરી સ્ટ્રકચરની કામગીરી સામે પણ વિવાદ ઉભો થયો છે. નાના ટેમ્પરરી સ્ટ્રકચર સીલ થઈ ગયાં છે પરંતુ હજી પણ શહેરના અનેક વિસ્તારોમાં ટેમ્પરરી સ્ટ્રકચર છે તેમની પાસે પાલિકામાં સેટીંગ કે રાજકારણનું બેકિંગ હોય તેમની સામે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આવી અનેક ફરિયાદ સાથે લોકમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ થઈ રહ્યો છે. લોકો એવી માગણી કરી રહ્યાં છે કે આખે આખા ગેરકાયદે એપાર્ટમેન્ટ બન્યા છે તે અને મોટા ટેમ્પરરી સ્ટ્રકચર સામે પણ કાર્યવાહી થવી જોઈએ. જો આમ કરવામાં ન આવશે તો લોકો પાલિકાની કામગીરી સામે વિરોધ કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે.