સુરત પાલિકાનો લાઈટ વિભાગ એટલે વિવાદનું ઘર : સાત હજાર સ્ટ્રીટ લાઈટમાં એલઈડી ફીટીંગના ટેન્ડર બાદ સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત
Surat Corporation : સુરત મહાનગરપાલિકાનો લાઈટ વિભાગ વિવાદનું કેન્દ્ર બની રહ્યો છે. તિરંગા યાત્રામાં નક્કી કરેલી એજન્સી સિવાય અન્ય એજન્સીને કામગીરી સોંપી દેવાના વિવાદ બાદ હવે લાઈટ વિભાગે સ્થાયી સમિતિ સમક્ષ સ્ટ્રીટ લાઈટમાં એલઈડી ફીટ કરવા માટે અધુરી દરખાસ્ત મોકલી દેવાતા વિવાદ ઉભો થયો છે. લાઈટ વિભાગે દરખાસ્તમાં સ્થાયી સમિતિ સમક્ષ અધુરી માહિતી રજૂ કરાતા સ્થાયી સમિતિએ નિર્ણય માટે કમિશ્નરને જ અધિકૃત કરી દીધા હતા. આ ઉપરાંત દરખાસ્તમાં રજુ અન્ય પાસા પર કાયદાકીય પાસાનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.
સુરત શહેરમાં સ્ટ્રીટ લાઇટ સિસ્ટમમાં કન્વેશનલ ફિટિંગ્સ એલઈડી ફિટિંગ્સ તથા સી.સી.એમ.એસ (સેન્ટ્રલાઇઝ કંટ્રોલ મોનેટરિંગ સિસ્ટમ)થી રિપ્લેસ કરવાની રીટ્રોફીટીગ તથા સાત વર્ષ સુધી મરામત અને નિભાવણી ફેઝ-1ની કામગીરી પુરી થઈ ગઈ છે અને ફેજ 2ની કામગીરી અધુરી છે. આ કામગીરી કરનાર એજન્સી સરકારની એજન્સી છે અને શહેરી વિકાસ વિભાગના ઠરાવ મુજબ એક પક્ષીય કામગીરી બંધ ન થઈ શકે તેમ હોવા છતાં એજન્સીએ પાલિકા સાથે વાટાઘાટ કર્યા વિના જ ફેઝ-2ની કામગીરી બંધ કરી દીધી છે અને સુરત પાલિકા પાસે 42 કરોડની ડિમાન્ડ કરી છે. આ અંગે લાઈટ વિભાગે સ્થાયી સમિતિ સમક્ષ ત્રણ વિકલ્પ વાળી દરખાસ્ત રજૂ કરી છે. તેના કારણે વિવાદ ઉભો થયો છે.
સ્થાયી સમિતિ સમક્ષ આ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. તેમાં ફેજ-2ની કામગીરી માટે એસકો પદ્ધતિથી ડિમ્બ એનર્જી સેવિંગ સિસ્ટમ મુજબ હાલ જે સિસ્ટમથી કામગીરી થઈ રહી છે. તે રીતે બાકીની કામગીરી પુરી કરવા માટે આગળ વધવું કે કેમ તે વિકલ્પ રજુ કરાયો હતો. આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, આ પહેલા જ વિભાગ દ્વારા આ કામગીરી માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા હોવાની ખબર પડી છે. આ વાત દરખાસ્તમાં કશે પણ રજૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત આ રીતે કામગીરી કરવી કે નહીં તે માટે મ્યુનિ. કમિશનરને અધિકૃત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકી રકમ ચુકવવા પહેલા જે કરાર થયા છે. તે મજુબ લીગલ અભિપ્રાય આપવામાં આવે તે જરૂરી છે તેવો નિર્ણય કરાયો છે.
જોકે, લાઈટ વિભાગ દ્વારા આ દરખાસ્તમાં સ્થાયી સમિતિ જ નહી પરંતુ મ્યુનિ. કમિશનરને પણ અંધારામાં રાખવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કોન્ટ્રાક્ટની મુદ્દત આગામી ડિસેમ્બર 2024માં પૂર્ણ થઇ રહી છે. ડિસેમ્બર 2021માં મંજૂર ભાવે ઍજન્સીઓ ઇ.ઇ.એસ.એલ દ્વારા કરવામાં આવેલી કામગીરી મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ લેવા તૈયાર થાય છે કે કેમ? તે મોટો પ્રશ્ન છે. એટલું જ નહીં, વિભાગ દ્વારા દરખાસ્તમાં હયાત મેઇન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાં મંજૂર ટેન્ડર રકમની તુલનામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે? તેનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેના કારણે વિભાગ દ્વારા દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેમાં મોટો વિવાદ ઉભો થયો છે.
બીજા ફેઝમાં ફીટીંગ માટે જે આંકડા દરખાસ્તમાં રજુ કર્યા છે તેમાંજ વિસંગતતા
સુરતમાં તિરંગા યાત્રા દરમિયાન 67 લાખનો કોન્ટ્રાક્ટ ટેન્ડર વિના સ્થાયી સમિતિએ નક્કી કરેલી એજન્સી સિવાય અન્યને આપી દેવાતાં વિવાદ કરનારા લાઈટ વિભાગની અનેક કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે. હાલમાં સ્ટ્રીટ લાઈટ અંગેની દરખાસ્ત રજુ કરી તેમાં અનેક વિગતો અધૂરી હોવાની ફરિયાદ થઈ રહી છે. દરખાસ્તમાં બીજા ફેઝમાં ફીટીંગ માટે જે આંકડા દરખાસ્તમાં રજુ કર્યા છે તેમાં જ વિસંગતતા હોવાથી વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
સુરત પાલિકાના લાઈટ વિભાગ દ્વારા એલઈડી ફીટીંગ માટે જે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, બીજા ફેઝમાં એજન્સી ઈ.ઈ.એસ.એલ દ્વારા 27950 એલઈડી ફીટ કરવાની હતી. તેમાંથી કંપની દ્વારા 14739 એલઈડી ફીટ કરી છે. દરખાસ્તમાં અંતમાં જણાવ્યું છે કે, બાકી રહેલા સાત હજાર જેટલી કન્વેશનલ ફીટીંગ કરવા માટેની કામગીરી કેવી રીતે કરવી તે વિકલ્પ દર્શાવ્યો છે. વિભાગ દ્વારા જે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. તેની ગણતરી મુજબ 13211 ફીટીંગ બાકી રહી છે. તેમ છતાં વિભાગે માત્ર સાત હજાર ફીટીંગ માટેની કામગીરી કરવાનો ઉલ્લેખ ઈરાદા પૂર્વક અને ગેરમાર્ગે દોરવા કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યો છે.