સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 'સમગ્ર શિક્ષા અભિયાન' અંતર્ગત વિવિધ તાલીમ રાખતા વિવાદ
- ફેબ્રુઆરી મહિનામાં તહેવાર અને રજા ન હોવાથી અભ્યાસ માટે શ્રેષ્ઠ સમય પણ
- હાલમાં શાળામાં શિક્ષકોની ઘટ અને શિક્ષકો રજા પર અને બાકીના શિક્ષકો તાલિમમાં હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર
સુરત,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં હાલ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સતત એક સપ્તાહ જેટલો સમય તાલીમ રાખવામાં આવતા વિવાદ ઉભો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં તહેવાર કે જાહેર રજા ન હોવાથી આ સમય વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઉત્તમ સમય છે. પરંતુ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળની ગ્રાન્ટ એડજેસ્ટ કરવા માટે હાલ વિવિધ તાલીમ રાખવામાં આવી રહી છે. હાલમાં શાળામાં શિક્ષકોની ઘટ અને શિક્ષકો રજા પર અને બાકીના શિક્ષકો તાલિમમાં હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી શકે તેવી ગંભીર ફરિયાદ થઈ રહી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં હાલમાં શિક્ષકોની ઘટ અને કેટલાક શિક્ષકો રજા પર છે તેના કારણે અનેક સ્કૂલોમાં શિક્ષકોએ એક કરતાં વધુ વર્ગ સંભાળવા પડી રહ્યાં છે. આ ઉપરાંત હાલ ફેબ્રુઆરી માસમાં રવિવારની રજા સિવાય કોઈ રજા આવતી ન હોવાથી આ સમય વિદ્યાર્થીઓને વિક્ષેપ વિના શિક્ષણ આપી શકાય તેમ છે. પરંતુ જ્ઞાન કુંજ પ્રોજેક્ટ સહિત અનેક વિષયો સાથે શિક્ષકોને તાલીમ આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે શાળામાં 50 ટકા શિક્ષકો તાલીમ માં સામેલ થયાં છે તો બીજી તરફ શિક્ષકો રજા પર હોવાથી અનેક સ્કૂલ માં એક શિક્ષક એક કરતાં વધુ વર્ગ સંભાળી રહ્યા છે.
આવી સ્થિતિમાં શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. વાલીઓ એવી માગણી કરી રહ્યા છે કે શિક્ષકોને જે તાલીમ આપવામાં આવે છે તે જાહેર રજા કે શાળામાંથી એક જ શિક્ષકને તાલીમ માટે મોકલવામા આવે તો બાળકોનું શિક્ષણ બગડી નહીં શકે.