Get The App

હસ્તકલા-2023માં પ્રાચિન અને આધુનિક કળાનો સંગમથી સુરતના યંગસ્ટર્સ ઈમ્પ્રેસ

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
હસ્તકલા-2023માં પ્રાચિન અને આધુનિક કળાનો સંગમથી સુરતના યંગસ્ટર્સ ઈમ્પ્રેસ 1 - image


- હજારો વર્ષ પુરાણી ચર્મ ચિત્રકલા, પીઠોરા આર્ટ સાથે આધુનિક જરી અને ઈકોફ્રેન્ડલી સ્ટોન આર્ટના કલાકારોની બોલબાલા

- દેશભરના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટી કામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના 300થી વધુ કારીગરો પોતાની કળાને સુરતના યંગસ્ટર્સ નિહાળી રહ્યાં છે 

સુરત,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર

ભારત દેશમાં એવોર્ડ મેળવનારા અને લુપ્ત થતી કલાને જાળવતા ઉત્કૃષ્ટ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સુરતમાં હસ્તકલા-2023માં પ્રાચિન અને આધુનિક કલાનો સંગમ જોવા મળી રહ્યો છે. હજારો વર્ષ પુરાણી ચર્મ ચિત્રકલા-પીથોરા આર્ટ સાથે આધુનિક જરી અને ઈકોફ્રેન્ડલી સ્ટોન આર્ટના કલાકારોની બોલબાલા જોવા મળી રહી છે.  દેશભરના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટી કામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના 300થી વધુ કારીગરો પોતાની કળાને સુરતના યંગસ્ટર્સ નિહાળી રહ્યા છે 

હસ્તકલા-2023માં પ્રાચિન અને આધુનિક કળાનો સંગમથી સુરતના યંગસ્ટર્સ ઈમ્પ્રેસ 2 - image

સેંકડો વર્ષ પુરાણી ચર્મ ચિત્રકલાને આંધ્રપ્રદેશના કેટલાક પરિવારો બાપદાદાના સમયથી જાળવી રાખી છે.  ચર્મ ચિત્રકારી(ચામડા પર ચિત્રકામ) એ રાજા રજવાડાઓના સમયથી ચાલી આવી છે. જોકે, હવે આ પ્રકારની ચિત્રકલા ઘણા ઓછા રાજ્યોમાં જોવા મળે છે. આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં કલા હજી પણ જળવાઈ રહી છે.  હસ્તકલા-2023માં ચર્મ ચિત્ર બનાવીને પોતાની ચિત્રકારીથી સુરતીઓને ઈમ્પ્રેસ કરી રહ્યાં છે. આંધ્ર પ્રદેશના ધર્માવરમના નેશનલ એવોર્ડ વિજેતા સિંધે શ્રીરામુલુ કહે છે, અમારી પેઢીઓથી ચર્મ ચિત્રકલા ચાલતી આવે છે. બકરીના ચામડાને લાવી તેને પ્રોસેસ કરીને સુકવી પછી તેના પર બામ્બુ સ્ટિક થી ચામડા પર કોતરવામાં આવે છે અને ભાતભાતના પેઈન્ટીંગ કરવામાં આવે છે. 

વર્ષો પહેલાં અમે ચર્મ ચિત્રકલાથી પપેટ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ કરીને શો કરવામાં આવે છે. આ ઉપરાંત ચર્મ પર રામાયણ અને મહાભારતનું ચિત્રણ કરીને નવી પેઢીને સરળ ભાષામાં સમજાવવામાં આવે છે. અમે અમારા બાપદાદાની ચર્મ ચિત્રકલાને જાળવી રાખી છે અને મારો દિકરો ચંદુ આગળ જતા આ કલાને જાળવી રાખશે.

હસ્તકલા-2023માં પ્રાચિન અને આધુનિક કળાનો સંગમથી સુરતના યંગસ્ટર્સ ઈમ્પ્રેસ 3 - image

ગુજરાતના છોટાઉદેપુરમાં 10 જેટલા પરિવાર હજારો વર્ષ જૂની પીઠોરા આર્ટ ને જીવંત રાખી રહ્યા છે

- પીઠોરા આર્ટને આગળ વધારનારા છોટા ઉદેપુરના પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે.

સુરતના હસ્તકલા-2023માં પ્રાચિન કલા એવી પીઠોરા આર્ટના પદ્મશ્રી એવોર્ડ વિજેતા પરેશભાઈ રાઠવા પોતાની કલા સુરતી યંગસ્ટર્સને સમજાવી રહ્યા છે. તેઓ કહે છે, આ બાર હજાર કરતાં વધુ જૂની આ કલા છે. ગુજરાતના છેવાડે આવેલા છોટાઉદેપુર જિલ્લાની છે. તેઓ પ્રકૃતિને પૂજનારો સમાજ છે. આ આદિવાસી સમાજ સૂર્ય દેવ, ચંદ્ર દેવ, જળ દેવતા, ધરતી માતા, અગ્નિ દેવતા, અન્ન દેવતા, પવન દેવ, વૃક્ષ દેવતા જે સાક્ષાત છે તેવા તત્વોની પૂજા કરે છે. સામાન્ય રીતે પીઠોરા એક લિપિ છે. આ પીઠોરા દેવ દરેક આદીવાસી પોતાના ઘરમાં લખાવે છે. પીઠોરા લખવાથી સુખ, શાંતી અને સમૃદ્ધિ મળે છે તેવું આ સમાજના લોકો માને છે અને પીઠોરામાં પૂરતી શ્રદ્ધા ધરાવે છે. પીઠોરામાં કીડીથી લઈને હાથીના ચિત્રને પણ દર્શાવવામાં આવે છે. મહત્વની વાતએ છે કે પીઠોરા હજારો વર્ષ પહેલા લખાયેલી એક લિપિ હોવાનું આદીવાસીઓ માને છે વર્ષ પહેલા ગુફાઓની દિવાલો પર આ ચિત્રો હતા પરંતુ તેને લોકો સુધી લઈ જવા માટે તેને અમે કેનવાસ પર ઉતાર્યું છે અને આ કલા જીવંત રાખી રહ્યાં છે. આ કલાકને છોટા ઉદેપુરના 10 જેટલા પરિવારો જીવંત રાખી રહ્યા  છે અને લોકો સુધી આ કલાને પહોંચાડતા રહેશે.

હસ્તકલા-2023માં પ્રાચિન અને આધુનિક કળાનો સંગમથી સુરતના યંગસ્ટર્સ ઈમ્પ્રેસ 4 - image

કોરોનાના લોક ડાઉને સુરતના ઇન્ટિરિયર ડિઝાઈનરને જરી અને ડાયમંડના ચિત્રકલા કરતો થયો

સુરત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ અનેક લોકોની રોજીરોટી છીનવી છે પરંતુ સુરતના એક ઇન્ટિરિયર ડિઝાઈનરે કોરોનાના લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને  સુરતના 700 વર્ષ કરતાં વધુ જુના જરી ઉદ્યોગ ના વેસ્ટેજ નો ઉપયોગ કરીને આધુનિક ચિત્ર બનાવતા કરી દીધા છે. 

સુરતના આર્કિટેક ડિઝાઇન વિપુલ જેપીવાલાએ લોક ડાઉનના સમય દરમિયાન પોતાની ક્રીએટીવીટીને આગળ ધપાવી છે. પોતાના જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા મિત્રો પાસેથી જરીના વેસ્ટેજને લઈ આવ્યા હતા અને કેટલાક પેઈન્ટીંગ બનાવ્યા હતા. ત્યાર બાદ તેઓએ જરીનો ઉપયોગ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પોર્ટેટ બનાવ્યા બાદ તેમની આ કલાને લોકોએ વખાણી હતી. જરીના વેસ્ટનો ઉપયોગ કરીને તેઓએ અનેક મહાનુભવોના પોટ્રેટ બનાવવા સાથે લોકોના ફોટામાથી પણ પેઈન્ટીંગ બનાવી આપ્યા છે. ત્યાર બાદ તેઓએ સુરતની બીજી ડાયમંડ સીટીની ઓળખ હોવાથી અમેરિકન ડાયમડનો ઉપયોગ કરીને પેઈન્ટીગ બનાવવાનું શરુ કર્યું છે. હવે લોકો જરી અને ડાયમડનો ઉપયોગ કરીને પોટ્રેટ બનાવી રહ્યાં છે. તેમની આધુનિક કળા હવે ધીરે ધીરે લોકોમાં પ્રચલિત થઈ રહી છે.

હસ્તકલા-2023માં પ્રાચિન અને આધુનિક કળાનો સંગમથી સુરતના યંગસ્ટર્સ ઈમ્પ્રેસ 5 - image

વડોદરાના યુવકે નદીના પથ્થર, પેપર અને બામ્બુનો ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી આર્ટવર્ક ડેવલપ કર્યું 

- પતિ-પત્નીની હોબીએ અનેક લોકોને રોજીરોટી આપી રહી છે અને પર્યાવરણની જાળવણીનો પણ ખ્યાલ રાખે છે

સુરતના હસ્તકલા-૨૦૨૩માં વડોદરાના અટલાદરાના અમિત પારેખે પોતાની અનોખી કળાથી  સુરતીઓને આકર્ષી રહ્યાં છે. અમિત પારેખ પર્યાવરણની જાળવણી માટે ઈકો ફ્રેન્ડલી આર્ટની શોધ કરી છે. વડોદરાની મહિસાગર નદીના કિનારેથી જુદા જુદા આકારના પથ્થરો લાવી તેના પર પેઈન્ટીગ કરીને તેને વોલ પેપર પર ચીટકાવીને આકર્ષક ફ્રેમ બનાવી છે. જુદા જુદા પથ્થરોનો ઉપયોગ કરીને ગણેશજી, પપેટ અને કુદરતી સૌંદર્ય સહિતની ફ્રેમ બનાવી છે.  આ ઉપરાંત ન્યુઝ પેપરનો ઉપયોગ કરીને વિવિધ ફુલો બનાવવા અને ફુલદાની સાથે સેટ કરવામા આવે છે. આ ઉપરાંત વિવિધ આકારના બામ્બુનો ઉપયોગ કરીને પેન સ્ટેન્ડ સહિતની વસ્તુઓ બનાવવામા આવે છે. 

આમ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હસ્તકલા-2023માં પ્રાચિન અને આધુનિક કળાનો સંગમ જોઈને સુરતીઓ આફરીન થઈ રહ્યાં છે અને વર્ષો પુરાણી અને નવી કળાને માણી રહ્યાં છે.


Google NewsGoogle News