સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ભાજપના નેતાનું ફૂડ કોર્ટ ગણતરીના કલાકોમાં ખુલી ગયાની ફરિયાદ
Surat Fire Safety Drive :રાજકોટ દુર્ઘટના બાદ સુરત પાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી. અને બીયુ પરમીશન વિનાની મિલકત સીલીંગની કામગીરી થઈ રહી છે તેમાં વિવાદ ઉભો થયો છે. સુરતમાં નાના લોકોના ગેમ ઝોન અને દુકાનો બંધ છે ત્યારે પાલિકાની સીલીંગની યાદીમાં બંધ કરાવેલું એક ફુડ ઝોન ચાલુ છે. આ ફુડ ઝોન ભાજપના નેતાનું હોવાથી બંધ કરાયા બાદ પણ ચાલુ કર્યું હોવાનો આક્ષેપ થવા સાથે પાલિકાની કામગીરી સામે લોકો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
સુરત પાલિકા દ્વારા ગઈકાલે અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં રાંદેર ઝોનમાં ગેલેકક્ષી સર્કલ પાસે આવેલું લા પેન્ટોલા ફૂડ ઝોન બંધ કરાવવામાં આવ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ ફૂડ ઝોન એક કોર્પોરેટરનું હોવાનું કહેવાય રહ્યું છે. પાલિકા વિસ્તારમાં નાના લોકોની નાની દુકાનો પણ કડકાઈથી બંધ કરાવવામા આવી રહી છે. પરંતુ ગઈકાલે પાલિકાએ બંધ કરાવેલું લા પેન્ટોલા ફૂડ ઝોન ખુલ્લા થઈ જતાં લોકોમાં પાલિકા તંત્ર કામગીરીમાં બેવડા ધોરણ અપનાવતું હોવાના આક્ષેપ થઈ રહ્યો છે. ગઈકાલે રાતથી જ આ ફૂડ કોર્ટની તસવીરો વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. અલબત્ત, આજે સવારે પણ ફૂડ કોર્ટમાંથી વાહનોની અવર-જવર દેખાતા લોકો ફાયર વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે.