સુરતની કે પી કોમર્સ કોલેજની બહાર મૂકેલી વિકલાંગ કેબીન ગેરકાયદે હોવાની કોલેજની ફરિયાદ

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
સુરતની કે પી કોમર્સ કોલેજની બહાર મૂકેલી વિકલાંગ કેબીન ગેરકાયદે હોવાની કોલેજની ફરિયાદ 1 - image


Image Source: Facebook

પાલિકાએ ફાળવેલી વિકલાંગ કેબીન ગેરકાયદેસર છે ?

પાલિકાએ ગોકુલમ ડેરી પાસે જગ્યા ફાળવી છે અને કોલેજ ફુટપાથ પર કેબીન ચાલે છે તથા વિકલાંગને કેબીન ફાળવી છે પરંતુ તેઓએ બીજાને ચલાવવા આપી હોવાનો આક્ષેપ

સુરત, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

સુરત મહાનગરપાલિકાએ શહેરમાં વિવિધ સ્થળે ફાળવવામાં આવેલા વિકલાંગ કેબીન મુદ્દે વધુ એક વિવાદ બહાર આવ્યો છે. અત્યાર સુધી વિકલાંગોને કેબીન ફાળવવામાં આવતી ન હોવાનો વિવાદ હતો પરંતુ હાલમાં પાલિકાએ જે જગ્યાએ કેબીન ફાળવી છે તેની જગ્યાએ બીજી જગ્યાએ કેબીન ચાલુ કરવા તથા વિકલાંગ ને બદલે અન્ય લોકો કેબીન ચલાવતા હોવાની ચોંકાવનારી ફરિયાદ થઈ છે. સામાન્ય લોકો સાથે સાથે કોલેજ દ્વારા તેમના કેમ્પસ બહાર કેબીન ગેરકાયદે ચાલતી હોવાની ફરિયાદ કરી કરતા તંત્ર પણ ચોંકી ગયું છે.

સુરત પાલિકા વિસ્તારમાં વિકલાંગ ( દિવ્યાંગો)ને મદદરૂપ થવા માટે વિવિધ જગ્યાએ કેબીન ફાળવવામા આવે છે. જોકે, છેલ્લા કેટલાક વખતથી દિવ્યાંગોની કેબીન બાબતે વિવાદ ઉભો થયો હોવાથી નવી કેબીન ફાળવવામાં આવતી ન હોવાની ફરિયાદ છે. જેના કારણે કેબીન ફાળવવા માટે નવી નીતિ બનાવવા આયોજન થઈ રહ્યું છે.   પરંતુ હાલમાં વિકલાંગ કેબીન ના નામે દુરુપયોગ થઈ રહ્યો હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. 

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી કે.પી. કોમર્સ કોલેજ દ્વારા પાલિકાને એક અરજી કરવામાં આવી છે તે ઘણી જ ચોંકાવનારી છે. જો આ અરજીમાં તથ્ય હોય તો પાલિકા દ્વારા વિકલાંગોને જે કેબીન ફાળવવામાં આવે છે તેમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કોલેજ દ્વારા કરવામા આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, કેપી કોમર્સ કોલેજના અડીને આવેલા રોડના ફુટપાથ પર વિકલાંગ કેબીન ફાળવવામા આવી છે તે ગેરકાયદે,ર છે. આ કેબીન મુકવા માટે પાલિકાએ ગોકુલમ ડેરીની સામેની તરફ જગ્યાની ફાળવણી કરી છે.  પરંતુ કોલેજની બહાર ફુટપાથ પર પાકુ ચણતર કરીને કેબીન બનાવી છે. શૈક્ષણિક સંસ્થાની આસપાસ આવા પ્રકારની કેબીન ની પરવાનગી નથી તેમ છતાં કેબીન ચાલી રહી છે તેથી જો અન્ય જગ્યાએથી આ જગ્યાએ સ્થળાંતરની પરવાનગી આપી હોય તો તે પણ રદ્દ કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે. 

આ ઉપરાંત આ કેબીન વિરુધ્ધમાં એક અન્ય પણ અરજી થઈ છે તેમાં પાલિકાએ જેમને કેબીન ફાળવી છે તેની જગ્યાએ અન્ય લોકો ધંધો કરી રહ્યાં છે અને આ કેબીન કોલેજ બાજુમાં હોવા છતાં પણ તમાકુ સીગારેટનો ધંધો કરવામા આવે છે તેવો આક્ષેપ કરવા સાથે અસમાજિક તત્વો અહી અડીંગો જમાવે છે તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે.

પાલિકાએ ફાળવેલી એક દિવ્યાંગ કેબીન અંગે કોલેજ દ્વારા અને અન્ય દ્વારા પણ અરજી કરવામાં આવી હોવાથી તે ચર્ચાનો વિષય બન્યો છે.


Google NewsGoogle News