સુરતમાં આચાર સંહિતામાં રોડ બનાવવામાં વેઠ ઉતારાતા હોવાની ફરિયાદ : ડ્રેનેજના ચેમ્બરનું લેવલીંગ ન કરતાં અકસ્માતની ભીતી
Surat Corporation News : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ આચાર સિહંતાના કારણે નવા કામ થતું નથી પરંતુ ચોમાસા પહેલા રોડ રી-કાર્પેટ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં કેટલીક જગ્યાએ ઝોન દ્વારા થતી કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાની ફરિયાદ વધી રહી છે. અઠવા ઝોન દ્વારા રોડ કારપેટ કરવાની કામગીરી થઈ રહી છે પરંતુ ડ્રેનેજના ચેમ્બરનું લેવલ ન હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. રોડ સાથે ડ્રેનેજના ચેમ્બર ઉેંચા નીચા હોવાથી અકસ્માત થવાની ભીતી રહેલી છે.
સુરત પાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં હાલ ચોમાસા પહેલા અનેક રોડને કારપેટ રી-કાર્પેટ કરવાની કામગીરી ચાલી રહી છે. જોકે, હાલ આચાર સંહિતા હોવાથી મોટાભાગના અધિકારીઓ-કર્મચારીઓ ચુંટણીની માટે તાલીમ લઈ રહ્યા છે અથવા તો અન્ય કામગીરીમાં જોડાયેલા છે. આવા સંજોગોમાં અઠવા ઝોન દ્વારા થતી રોડની કામગીરી માં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ થઈ રહી છે.
અઠવા ઝોન દ્વારા હાલમાં મિશન હોસ્પિટલ થી શાંતિવન ગાડન સુધી ડામર રોડ કરાપેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ ડ્રેનેજના ઢાંકણ પાસે રોડનું લેવલ કરવામાં આવ્યું છે. તેમાં કેટલીક જગ્યાએ ચેમ્બર રોડથી ઉંચા છે તો કેટલીક જગ્યાએ રોડથી ચેમ્બર નીચા છે. આવા સંજોગોમાં બાઈલ કે વાહન લઈ જતાં ચાલકો માટે આ રોડ આફતરૂપ બની ગયો છે. આવી બેદરકારીના કારણે લોકોને મુશ્કેલી નડતા હોવાથી પાલિકા પુર્વ વિપક્ષી નેતા બાબુ કાપડીયાએ આ રોડ પર ડ્રેનેજ ચેમ્બર લેવલ કરવામાં આવે તેવી માગણી કરી છે. આ ઉપરાંત સુરત શહેરમાં જ્યાં પણ રોડ બને છે ત્યાં ડ્રેનેજ ચેમ્બરના લેવલ અંગે પ્રશ્ન ઉભા થાય છે તેના કારણે અકસ્માતનો સતત ભય રહેલો હોય સંકલન કરીને દરેક જગ્યાએ આ સમસ્યાનો હલ લાવવા માટે પણ રજુઆત કરવામાં આવી છે.