Get The App

લ્યો બોલો..! હવે સુરતની પોલીસ ચોકી પણ ગેરકાયદે હોવાની ફરિયાદ

Updated: Jan 1st, 2024

GS TEAM


Google News
Google News
લ્યો બોલો..! હવે સુરતની પોલીસ ચોકી પણ ગેરકાયદે હોવાની ફરિયાદ 1 - image


- પાલિકા રસ્તા વચ્ચેના ધાર્મિક સ્થળો દુર કરે છે પરંતુ ભાઠેના ચાર રસ્તા પર ગેરકાયદે બની રહેલી પોલીસ ચોકી સામે આંખ આડા કાન

- સુરતમાં કાયદાનું પાલન કરાવનાર પોલીસ વિભાગ,ગેરકાયદેસર બાંધકામ વાળી પોલીસ ચોકીમાં વહીવટ કરશે, ગેરકાયદે બની રહેલી પોલીસ ચોકીનું બાંધકામ દુર કરવા મ્યુનિ. કમિશ્નરને ફરિયાદ   

સુરત,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર

સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પરના દબાણ દૂર કરવા સાથે રસ્તા પર બનેલા ધાર્મિક સ્થળો દુર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પાલિકાની આ ઝુંબેશ વચ્ચે લિંબાયત ઝોનના ભાઠેના ચાર રસ્તા પર ગેરકાયદે પોલીસ ચોકી બની રહી હોવાની ફરિયાદ મ્યુનિ. કમિશ્નરને થઈ છે. ધાર્મિક સ્થળો દુર કરનારી પાલિકા ગેરકાયદે બની રહેલી પોલીસ ચોકી સામે આંખ આડા કાન કરી રહી છે તે યોગ્ય નથી નિયમ પ્રમાણે આ ગેરકાયદે બની રહેલી ચોકીનું ડિમોલીશન કરવા માટે ફરિયાદ કરવામાં આવી છે. આ ચોકી સાથે સાથે  અન્ય પોલીસ ચોકીની કાયદેસરતા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. 

સુરત પાલિકા દ્વારા ઝીરો દબાણ રુટ પરના દબાણ હટાવવાની કામગીરી કડકાઈથી થઈ રહી છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઈ રહી છે. આ ઉપરાંત હાલમાં જ લિંબાયત ઝોનમાં  રસ્તા પર ગેરકાયદે બની રહેલા એક મંદિરનું પણ ડિમોલીશન કરવામાં આવ્યું છે. જાહેર રસ્તા પર કોઈ પણ ધાર્મિક સ્થળ બનતું હોય પાલિકા તંત્ર લોકોના વિરોધ વચ્ચે આ ધાર્મિક સ્થળનું આક્રમકતાથી ડિમોલીશન કરીને જગ્યા ખુલ્લી કરી રહી છે. પાલિકા ડિમોલીશનની કામગીરીમાં લોકોનો પ્રતિકાર રોકવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ કરે છે.

ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે પાલિકા તંત્ર પોલીસની મદદ લે છે પરંતુ લિંબાયત ઝોનમાં પોલીસ ચોકી જ ગેરકાયદે બની રહી હોવાની ફરિયાદ થઈ છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને ગેરકાયદે બનતી પોલીસ ચોકીનું કામ અટકાવી અને ડિમોલીશન કરવા માટેની રજૂઆત કરી છે. 

મ્યુનિ. કમિશ્નરને લખેલા પત્રમાં તેઓએ જણાવ્યું છે કે, સુરત શહેર દિનપ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. હાલનાં હયાત રોડ વધતી ટ્રાફિક સમસ્યાના કારણે આવનારા ટૂંકા દિવસોમાં પહોળા કરવાની જરૂરિયાત ઊભી થશે. ભાઠેના ચાર રસ્તા ખાતે ટ્રાફિક સમસ્યાના કારણે થોડા દિવસ અગાઉ સુરત મહાનગરપાલિકા એ પ્રજાના પરસેવામાંથી કરોડો રૂપિયા ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યો. સદર બ્રિજ પાસે ચાર રસ્તાની નજીકમાં ખાનગી સોસાયટીના રોડ, માર્જિનની ખુલ્લી જગ્યા જે બી.આર.ટી.એસ. કેનાલ રોડ અડીને છે એ જગ્યા પર હાલમાં આરસીસી + બીમ + કોલમ સાથે પોલીસ ચોકીનું બિનઅધિકૃત બાંધકામ ચાલી  રહ્યું છે. 

કાયદાનું પાલન કરવા પોલીસ ચોકી બનેએ આવકાર્ય છે. પરંતુ કાયદાના પાલન કરતા વિભાગ પોતે કાયદા વિરુદ્ધ એટલે સુરત મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની બાંધકામની પરવાનગી લીધા વગર બિનઅધિકૃત બાંધકામ કરે એ યોગ્ય નથી. આ ચોકી ચાર રસ્તા પાસે જ નિર્માણ થતી હોય જેનાથી ટ્રાફિક સમસ્યા વધુ વકરશે અને લોકોને હાલાકી ભોગવવી પડશે. ભાઠેના પોલીસ ચોકીનું બાંધકામ સુરત મહાનગરપાલિકાનું ભાઠેના સ્થિત ભારત નગર ડેપો ખાતે નિયમોનુસાર ચોકી માટે જરૂર મુજબની જગ્યા ફાળવણી કરી જરૂરી બાંધકામ માટે પરવાનગી આપવામાં આવે એવું મારું સૂચન છે. ભારત નગર ડેપો ખાતે વિશાળ જગ્યા પૈકીની જગ્યા પર હાલમાં સુમન શાળાનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. સદર ભારત નગર ડેપો ચારે બાજુ થી નવનિર્મિત ટેક્ષ્ટાઈલ માર્કેટ સહિત અન્ય કોમર્શિયલ વિસ્તારથી ઘેરાયેલા હોય સુમન શાળાના વિદ્યાર્થીઓને (ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતી દીકરીની) સલામતી અને સુરક્ષા માટે પોલીસ ચોકી હોવું અત્યંત જરૂરી છે.


Tags :