સ્વાતંત્ર્ય દિન પૂર્વે સુરતમાં તિરંગા યાત્રા માટે તડામાર તૈયારી : રવિવારે મુખ્યમંત્રી તિરંગા યાત્રામાં જોડાશે
image : Twitter
Tiranga Yatra Surat : 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ પહેલા 11 ઓગસ્ટના રોજ સુરતમાં 2 કિલોમીટરની તિરંગા યાત્રા માટે તડામાર તૈયારી થઈ રહી છે. વાય જંકશન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના બે કિલોમીટરના રૂટ પર તિરંગા યાત્રા નીકળશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જોડાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી જોડાવાના હોવાથી વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટ માટે છેલ્લા ચાર દિવસથી બેઠકનો દોર ચાલી રહ્યો છે. આ કાર્યક્રમને અંતિમ ઓપ આપે તે પહેલા આજે પાલિકા કમિશનર અને મેયર-ચેરમેને રૂટની મુલાકાત લઈ વિવિધ સુચના આપવામાં આવી હતી.
સુરતમાં 11 ઓગસ્ટ રવિવારના રોજ સુરત તિરંગા રંગમાં રંગાવા થનગની રહ્યું છે. સુરતના પીપલોદ-ડુમસ રોડ પર 2 કિલોમીટરની ભવ્ય તિરંગા પદયાત્રા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક લાખ જેટલા સુરતીઓ જોડાય તેવો અંદાજ સાથે તૈયારી કરવામાં આવી રહી છે. આ યાત્રાને સફળ બનાવવા માટે છેલ્લા ચાર દિવસથી સુરત પાલિકામાં મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ વિવિધ વિભાગો સાથે બેઠક કરી રહ્યાં છે. આ તિરંગા યાત્રામાં એક લાખથી વધુ સુરતીઓ જોડાશે અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પરેડમાં જોડાવવાના હોવાથી પાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે ગુરૂવારે કમિશનરએ મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ સાથે મળીને ચર્ચા કરી સુચન લીધા હતા. આ ઉપરાંત મોડી રાત્રે મ્યુનિ. કમિશ્નરે રૂટની મુલાકાત પણ લીધી હતી.
સુરતની તિરંગા યાત્રા માટે વાય જંકશન પર મુખ્ય સ્ટેજ બનાવવામાં આવશે.
મુખ્યમંત્રી દ્વારા તિરંગા યાત્રાની શરૂઆત કરાવવામાં આવશે અને તેઓ પણ યાત્રામાં જોડાશે. યાત્રા વાય જંકશનથી શરૂ કરીને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પુરી થશે. મુખ્ય સ્ટેજ સિવાય રૂટ પર કુલ 12 પરફોર્મન્સ સ્ટેજ બનાવવામાં આવશે. જેમાં પ્રથમ સ્ટેજ પર દિવ્યાંગ બાળકો રહેશે અને અન્ય સ્ટેજ પર વિવિધ પ્રાંત, સમાજના કલાકારો દ્વારા નૃત્ય, ડાન્સની કૃતિઓ રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેરની તમામ ઔદ્યોગિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ડાયમંડ ઈન્ડસ્ટ્રી, ચેમ્બર ઓફ કોમર્સ, પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરત મીની ભારત છે તે દર્શાવવા માટે દેશના વિવિધ રાજ્યોના અગ્રણીઓ અને લોકો પોતાના પ્રાદેશિક પરિધાનમાં યાત્રામાં જોડાશે. જે આયોજનથી ભારતની વિવિધતામાં એકતા અને સુરત એટલે મીની ભારત એવી પ્રતીતિ થશે.
તિરંગા યાત્રાની મુખ્ય ઝલક આવી રહેશે
- વાય જંકશનથી યાત્રા શરૂ થશે અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પુરી થશે
- ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તિરંગા યાત્રાની શરૂઆત કરાવવામાં આવશે અને તેઓ પણ યાત્રામાં જોડાશે.
- તિરંગા યાત્રાના કાર્યક્રમને ઝીરો વેસ્ટ ઇવેન્ટ તરીકે આયોજિત કરવાનું પ્લાનિંગ.
- તમામ વ્યક્તિઓ માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા તેમજ કાર્યક્રમ દરમિયાન તથા કાર્યક્રમ પૂર્ણ થતા તુરંત સફાઈ કામગીરી માટેનું આયોજન કરાયું છે
- એરફોર્સ, નેવી, આર્મી, એનસીસી, એનએસએસ ટુકડીઓ, પોલીસની પ્લાટુન પરેડમાં હાજર રહેશે.
- મુખ્ય સ્ટેજ ખાતે પ્રસિદ્ધ ડાન્સ ગ્રુપ દ્વારા ઉત્કૃષ્ટ કૃતિઓ રજુ કરાશે.
- દેશના વિવિધ રાજ્યોના અગ્રણીઓ અને લોકો પોતાના પ્રાદેશિક પરિધાનમાં યાત્રામાં જોડાશે જે આયોજનથી ભારતની વિવિધતામાં એકતા અને સુરત એટલે મીની ભારત એવી પ્રતીતિ થશે.
- તિરંગા યાત્રા રૂટ પર આવેલ તમામ લાઈટ પોલ પર તિરંગા લગાવવાનું આયોજન તેમજ સમગ્ર રૂટની બંને બાજુ BRTS રેલીંગ / બેરીકેડ પર તિરંગાનો લાંબો પટ્ટો લગાવવામાં આવશે.
- Y જંકશન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી તિરંગાની થીમ પર લાઈટીંગ તથા બ્રાન્ડીંગ કરવામાં આવનાર છે.
- રૂટની બંને બાજુ આવેલ બિલ્ડીંગ પર તિરંગાના ડ્રોપ ડાઉન રહેશે.
- શહેરના તમામ સ્કૂલ, કોલેજ તથા યુનિવર્સીટીના વધુ ને વધુ શિક્ષકો/ વાલી જોડાય તે મુજબનું આયોજન કરાશે.
- તિરંગા યાત્રાને આગવી ઓળખ આપવા માટે સ્કુલના બેન્ડ, પોલીસ બેન્ડ, અન્ય સાંસ્કૃતિક ગ્રુપ યાત્રામાં જોડાય તે પ્રકારનું આયોજન
- શહેરની તમામ ધાર્મિક સંસ્થાના આગેવાનો, વિવિધ સમાજના લોકો તેમના પારંપરિક પહેરવેશ માં હાજર રહેશે
- 1 લાખ લોકો પરેડમાં જોડાશે તેંમના માટે પાણીની વ્યવસ્થા થશે. 10 મોબાઇલ ટોઇલેટ રહેશે.
- પરેડમાં આગળ સ્કેટીંગ, સાઇકલ, બાઇક ગ્રુપ બાદ પોલીસ, શાળા અને વ્હોરા સમાજના બેન્ડ પરર્ફોમન્સ આપશે.
- તિરંગા યાત્રામાં ભાગ લેવા આવનાર શહેરીજનો માટે પાર્કિંગની વ્યવસ્થાનું પુરતું આયોજન ટ્રાફિક પોલીસના સંકલનમાં રહીને કરવામાં આવ્યું છે