લ્યો બોલો પાલિકાના નવસારી બજારમાં ચાર્જિંગ સ્ટેશન બન્યું પાર્ટી પ્લોટ, ભોજન સમારંભ યોજાયો
સુરત શહેરમાં પર્યાવરણની જાળવણી માટે સુરત પાલિકાએ ઈ વ્હીકલ પોલીસી બનાવી છે અને શહેરમાં પીપીપી ધોરણે ચાર્જીંગ સ્ટેશન પણ શરુ કર્યા છે. પરંતુ પાલિકા ચાર્જીંગ સ્ટેશન ની જાળવણીમાં નિષ્ફળ હોવાથી આ ચાર્જિંગ સ્ટેશન નોધારા બન્યા છે. તેમાં પણ નવસારી બજાર ગોપી તળાવ નજીક બનેલું ચાર્જીંગ સ્ટેશનને તો કેટલાક લોકોએ પાર્ટી પ્લોટ જેવા બનાવી ને ભોજન સમારંભ ગોઠવી દીધો હતો. આ જગ્યાએ ભોજન સમારંભ યોજાયા બાદચાર્જીંગ સ્ટેશન ની જાળવણી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. અને ચાર્જિંગ સ્ટેશનના આવા ઉપયોગના કારણે મોટો અકસ્માત થાય અને જાનહાની થાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.
સુરત પાલિકાએ ઈ વ્હીકલ ને પ્રોત્સાહન આપવા માટે શહેરમાં અનેક જગ્યાએ લાખો રૂપિયાના ખર્ચે ઈ ચાર્જીંગ સ્ટેશન બનાવ્યા છે. પરંતુ ઘરે ચાર્જિંગ અને ચાર્જીંગ સ્ટેશન પરના ખર્ચમાં મોટો તફાવત હોવાથી અનેક ચાર્જીંગ સ્ટેશન નો ઉપયોગ નહિવત જોવા મળી રહ્યો છે ચાર્જીંગ સ્ટેશન પર કાર ચાર્જિંગ માટે આવતી ન હોવાથી કેટલીક જગ્યાએ કુતરાઓ બેઠા હોય છે તો કેટલીક જગ્યાએ બાળકો રમતા હોય છે. આવી સ્થિતિમાં ચાજિંગ સ્ટેશન ને નુકસાન થાય તેવી ભીતિ સાથે કરંટ લાગે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
નવસારી બજાર ગોપી તળાવ બહાર ચાર્જીંગ સ્ટેશન બનાવ્યું છે તેના પર ભાગ્યે જ કોઈ કાર ચાર્જિંગ માં આવે છે. આ ઉપરાંત આ જગ્યાએ લાખો રુપિયાનો ખર્ચ કરીને સ્ટેશન બનાવ્યું છે પરંતુ જાળવણી કરનાર વ્યક્તિ સ્થળ પર હાજર ન હોવાથી બાળકો આ જગ્યાએ રમતો રમે છે. ભુલથી બાળકો ચાર્જિંગ સ્ટેશનમાં કોઈ વાયરને અડકી જાય તો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.તો હાલમાં દિવાળીની રજાઓના સમયમાં આ વિસ્તારના લોકોએ તો હદ કરી દીધી હતી. પાલિકાએ નવસારી બજાર ખાતે બનાવેલું ચાર્જીંગ સ્ટેશન લાવારીસ હોય તેમ કેટલાક લોકોએ તો જાહેર કાર્યક્રમ કરીને આ જગ્યાએ ભોજન સમારંભનું પણ આયોજન કરી દીધું હતું. પાલિકાની આવી મિલ્કતનો આવો જાહેર ઉપયોગ પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ બનીને આવી ગયો છે. જો પાલિકા આવા લોકો સામે કોઈ આકરા પગલાં નહી ભરે તો પાલિકાની મિલ્કતનો દુરુપયોગ કરતા લોકો અચકાશે નહીં. જોકે, આ વિડીયો વાયરલ થયા બાદ પણ પાલિકાએ કોઈ પગલાં ભર્યા ન હોવાથી પાલિકાના ચાર્જીંગ સ્ટેશન ની સુરક્ષા અને જાળવણી સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે.