Get The App

આવતીકાલની સુરત પાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિના અધ્યક્ષની થશે નિમણુંક

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
આવતીકાલની સુરત પાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિના અધ્યક્ષની થશે નિમણુંક 1 - image


- પાલિકાના પદાધિકારીઓની રેસમાં બાકાત થયેલા કોર્પોરેટરોને મોભાદાર કમિટીના અધ્યક્ષ બનવાની આશા

- જાહેર બાંધકામ, ટીપી કમિટી જેવી મલાઈદાર કમિટીના અધ્યક્ષ બનવા માટે કેટલાકના ધમપછાડા : કોની લોટરી લાગે છે અને કોનું પત્તુ કપાઇ છે તે આવતીકાલે જાહેર થશે

સુરત,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

સુરત મહાનગર પાલિકાની વિવિધ કમિટીના અધ્યક્ષ ઉપાધ્યક્ષની વરણી માટે આવતીકાલ શુક્રવારે પાલિકાની ખાસ સામાન્ય સભા યોજાશે. જોકે, પહેલી ટર્મમાં વિવિધ 12 સમિતિના અધ્યક્ષ પદ ભોગવી ચુક્યા છે તેમની બાદબાકી લગભગ નક્કી  છે. પાલિકાની વિવિધ સમિતિની રચનામાં પણ નો-રીટીપેશનની શક્યતા હોવાથી પાલિકાના પદાધિકારીઓની રેસમાં બાકાત થયેલા કોર્પોરેટરોને મોભાદાર કમિટીના અધ્યક્ષ બનવાની આશા રાખી રહ્યા છે. જોકે, કોની લોટરી લાગે છે અને કોનું પત્તુ કપાઇ છે તે આવતીકાલે સામાન્ય સભામાં ખબર પડશે. તે પહેલાં કમિટી અધ્યક્ષ બનવા માટે કેટલાક કોર્પોરેટરો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. 

સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓમાં નો-રિપીટેશન ફોર્મ્યુલા બાદ હવે વિવિધ સમિતિઓની રચનામાં પણ નો-રિપીટેશન પેર્ટન આવે  છે. આવતીકાલની સામાન્ય સભામાં જાહેર બાંધકામ, ટાઉન પ્લાનીંગ, ગટર, ડ્રેનેજ, પાણી, સાંસ્કૃતિક, ગાર્ડન, હોસ્પિટલ, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ, લાઈટ એન્ડ ફાયર, સ્લમ ઈમ્પ્રુવ મેન્ટ, કાયદા સમિતિ ઉપરાંત મેયર ફંડ, વ્યાખ્યાન સમિતિ સહિત અન્ય સમિતિની રચના કરવામાં આવશે. હાલ જે કોર્પોરેટરો પદાધિકારીઓની રેસમાં હતા પરંતુ નિરાશા સાંપડી છે તેવા કોર્પોરેટરોને ટાઉન પ્લાનિંગ કમિટી, જાહેર બાંધકામ અને ડ્રેનેજ તથા પાણી સમિતિ જેવી મોભાદાર સમિતિના અધ્યક્ષ બનવા માટે દોડાદોડી કરી રહ્યા છે. તો બીજી તરફ આપમાંથી ભાજપમાં આવેલા 12 કોર્પોરેટરો પણ આ સમિતિમાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ બનાવે તેવી મીટ માંડીને બેઠા છે. 

જોકે, પદાધિકારી અને સ્થાયી સમિતિમાં સૌથી વધુ મહિલાને પ્રતિનિધિત્વ આપ્યું હોવાથી વિવિધ કમિટિમાં સાંસ્કૃતિક અને ગાર્ડન સહિત અન્ય એકાદ કમિટિમાં મહિલાને અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા છે. પદાધિકારીઓની જેમ નો-રિપીટેશન શક્યતા હોવાથી બાકી રહી ગયેલા કોર્પોરેટરો  આવતીકાલની સભા પર મદાર રાખીને બેઠા છે.

 જોકે, વોર્ડ નંબર-6માં મેયર અને સ્થાયી સભ્ય હોવાથી બાકી રહેલા બે સભ્યો માટે આશા નહિવત છે. તેવી જ રીતે વોર્ડ નંબર 21 માં બે મહિલા સભ્યોને સ્થાયી સમિતિમાં સ્થાન મળ્યું છે અને ગત ટર્મમાં એક સ્થાયી સભ્ય હોવાથી આ વોર્ડને પણ મહત્વ મળે તેવી શક્યતા ઓછી છે. આવી જ રીતે વોર્ડ નંબર -26માં પુર્વ શાસક પક્ષ નેતા હતા અને હાલ ડેપ્યુટી મેયર છે અને તેમની સાથે અન્ય એક સભ્ય સ્થાયી સમિતિમાં છે તેથી આ વોર્ડની પણ વિવિધ સમિતિની રચનામાં બાદબાકી થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.


Google NewsGoogle News