સુરત શિક્ષણ સમિતિનો ભ્રષ્ટાચાર છાવરવા અધ્યક્ષ નું રાજીનામું લેવાયું છે : વિપક્ષ
સુરત,તા.06 ફેબ્રુઆરી 2024,મંગળવાર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષના રાજીનામા બાદ સુરતનું રાજકારણ ગરમાયું છે. શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્યએ આ રાજીનામા અંગે એવું કહ્યું છે કે પત્રિકા કાંડ એક બહાનું છે ખરેખર તો શિક્ષણ સમિતિમાં ચાલતા ભ્રષ્ટાચારને છાવરવા માટે અધ્યક્ષનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.
શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને સરકાર નિયુક્ત સભ્ય એવા ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાની ઘટનાના સુરતના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. આ અંગે ભાજપે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. પરંતુ શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ આ મુદ્દે ભાજપની ઝાટકણી કાઢી છે. તેઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, શિક્ષણ સમિતિનો કારભાર ખાળે ગયો છે અને સમિતિમાં શિક્ષકોની અછત, શાળા સફાઈ, લિકવિડ કૌભાંડ, વાર્તા કૌભાંડ, યુનિફોર્મ સહિત તમામ ખરીદીમાં થતા ગોટાળાઓ, સાથી શિક્ષકો, કમ્પ્યુટર ઓપરેટરો, સુરક્ષાકર્મીઓને પગારમાંથી થતી કટકીઓ, સામાન્ય સભામાં થતી દાદાગીરી, વગેરે જેવા અનેક મુદ્દે ભાજપ શાસકો વારંવાર બેકફૂટ ઉપર જઈ રહ્યા હતા અને ભાજપના આ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની અસર બાળકોના શિક્ષણ ઉપર પડી રહી છે. પત્રિકાકાંડ માત્ર એક બહાનું છે, ખરું કારણ કે ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને અક્ષમતા જ છે.