સુરતની તાપી નદીના તટે હજારો દિવા સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી ઉજવણી
સુરત,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સુરત પણ મીની અયોધ્યા બની ગયું છે. સુરતની તાપી નદીના તટ પર છેલ્લા કેટલાક વખતથી હરિદ્વાર અને વારાણસીની જેમ મહા આરતી થઈ રહી છે. અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની પુર્વ સંધ્યાએ તાપી માતાની આરતી ખાસ બની ગઈ હતી.
સુર્ય પુત્રી તાપી નદીના જહાંગીરપુરા કિનારે રવિવારે સાંજે હજારો લોકો ભેગા થયા હતા. મહા આરતી સાથે સાથે પોતાના હાથમાં દીવો લઈને તેઓએ પ્રાણ પ્રતિષ્ઠાને આવકાર્યો હતો. તાપી માતાની જય સાથે સાથે જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. આ ઉપરાંત રાત્રીના સમયે આતાશબાજી કરવામાં આવી હતી જેના કારણે દિવાળી જેવો માહોલ ઉભો થયો હતો. મહા આરતીમાં હાજર લોકો જાણે પોતે અયોધ્યા પહોંચ્યા હોય તેવો ઉત્સાહ જોવા મળતો હતો.