સુરત પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે આડેધડ બનાવેલા બસ સ્ટેન્ડ અવાવરું બન્યા
- મુસાફરોની સંખ્યા નહિવત છે ત્યાં પણ બસ સ્ટેન્ડ બનાવી દેવાયા છે
- પાલિકાએ સીટી બસ માટે બનાવેલા બસ સ્ટેન્ડ જાળવણીના અભાવે ખંડેર થયા છે માથાભારે લોકોનો કેટલાક બસ સ્ટેન્ડ પર કબજો : તો કેટલીક જગ્યાએ બસ સ્ટેન્ડ પર વનસ્પતિ ઉગી ગઈ છે
સુરત,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર
સુરતમાં લોકોની સુવિધા માટે દોડાવવામાં આવતી સીટી બસની સુવિધા માટે સુરતમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા બસ સ્ટેન્ડનો ઉપયોગ થતો નથી. ઘણી જગ્યાએ પાલિકાએ સીટી બસ માટે બનાવેલા બસ સ્ટેન્ડ જાળવણીના અભાવે ખંડેર બની ગયા છે. તો કેટલીક જગ્યાએ માથાભારે લોકોનો કબ્જો અને કેટલીક જગ્યાએ વનસ્પતિ ઉગી નિકળી છે.
સુરત પાલિકાએ સામુહિક પરિવહન સેવા માટે સીટી બસ શરૂ કરી ત્યારે મુસાફરોની સુવિધાના બદલે કોન્ટ્રાક્ટરોને વધુ કામ મળે તે માટે બસ સ્ટેન્ડ બનાવી દીધા હોય તેમ અનેક જગ્યાએ બસ સ્ટેન્ડનો ઉપયોગ થતો નથી તેવા સ્થળોએ પણ બસ સ્ટેન્ડ બનાવી દીધા છે. કોન્ટ્રાક્ટરના લાભાર્થે બનાવેલા આ બસ સ્ટેન્ડનો ઉપયોગ થતો ન હોવાથી અનેક બસ સ્ટેન્ડ ખંડેર બની ગયાં છે. સુરતના રાંદેર પીપરડી વાળા સ્કૂલ નજીક બનેલા બસ સ્ટેન્ડને ધોબી ઘાટ બનાવી દેવામા આવ્યો છે અને તેના પર કાયમી ધોરણે કપડા રંગવા કે સુકવવામાં આવે છે કે બકરાં બાંધવામાં આવી રહ્યા છે. તો પાલનપોર ગામમાં બનાવેલા બસ સ્ટેન્ડ પર એક પણ વખત બસ ઉભી રહેતી નથી ત્યાં આંકડાના મોટા છોડ ઉભી નિકળ્યા છે અને કેટલાક લોકો ખેતીના સાધનો મુકી રહ્યાં છે.
પાલિકાના મોટા ભાગના બસ સ્ટેન્ડની આવી હાલત છે પરંતુ તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ પરથી આવા દબાણ દુર કરવા કે બસ સ્ટેન્ડમાં સફાઈ કરવા માટે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી મુસાફરો બસ સ્ટેન્ડ થી દુર ભાગી રહ્યાં છે. આવી સ્થિતિ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા આવા દુષણ દુર કરવા માટે કોઈ પગલાં ભરતી ન હોવાના કારણે લોકોના વેરાનો પૈસાનો વ્યય કરીને કૌભાંડ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.
સીટી બસના ડ્રાઈવર બસ સ્ટેન્ડ પર નહી સ્ટેન્ડ નહી હોય ત્યાં બસ ઉભી રાખે છે
સુરતમાં લોકોની સુવિધા માટે દોડાવવામાં આવતી સીટી બસ ડ્રાઈવરની ગંભીર બેદરકારીને કારણે લોકો માટે આફતરૂપ બની રહી છે. પાલિકાએ લોકોની સુવિધા માટે બસ સ્ટેન્ડ તો બનાવ્યા છે પરંતુ 80 ટકા બસ બસ સ્ટેન્ડ પર ઉભી રહેતી નથી. ડ્રાઈવર મન ફાવે ત્યાં બ્રેક મારીને જાહેર રસ્તા પર બસ ઉભી રાખી દેતા હોય છે તેના કારણે સતત અકસ્માતનો ભય રહેલો છે. જેના કારણે પણ લોકો બસ સ્ટેન્ડનો ઉપયોગ કરી શકતા નથી.બસના ડ્રાઇવર જ્યાં લોકો હાથ ઉંચો કરે કે જ્યાં ઉતરવા માટે કહે તે જગ્યાએ અચાનક જ રસ્તા વચ્ચે ઉભી કરી દે છે તેથી અનેક અકસ્માત થયાં છે અને અકસ્માતનો ભય પણ સતત રહેલો છે.