સુરતની સ્મીમેર હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે પહેલો અને બીજો બન્ને ફેઝ જુન માસમાં શરૂ થશે
- પાયલોટ પ્રોજેક્ટમાં કેટલીક ક્ષતિઓ બહાર આવતાં લેવાયો નિર્ણય
- પાયલોટ પ્રોજેક્ટમાં દર્દીઓની લાંબી લાઈન લાગતા વિવાદ થયો હતો, હવે ઓનલાઈન સોફ્ટવેર ડેવલપ પર ભાર મુકી પ્રોજેક્ટ લોન્ચ કરાશે
સુરત,તા.22 માર્ચ 2024,શુક્રવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓની સુવિધાને ધ્યાને રાખીને પેપરલેસ સિસ્ટમ ઉભી કરી હતી. આ માટે પાલિકાએ પાયલોટ પ્રોજેક્ટ ટ્રાયલ રુપે શરુ કર્યો હતો. પરંતુ સોફ્ટવેરમાં કેટલીક ક્ષતિઓ આવતાં કામગીરી દરમિયાન દર્દીઓની લાંબી લાઈન લાગી જતા વિવાદ ઉભો થયો હતો. જેના કારણે હવે સોફ્ટવેર અપડેટ કરીને સ્મીમેર હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે પહેલો અને બીજો બન્ને ફેઝ જુન માસમાં શરૂ કરવા માટે કવાયત થઈ રહી છે. સહારા દરવાજા પાસે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. સ્મીમેર હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગોમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે ત્યારે દર્દીઓ અને તેમના પરિવાર જનોનો મોટા ભાગનો સમય કેસ પેપર થી માંડીને તબીબનો બતાવવામાં વેડફાઈ જતો હોય છે. જેના કારણે પાલિકાએ હોસ્પિટલ ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ (એચઆઇએમએસ) હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝડ કરવા સાથે પેપર લેસ બનાવવા માટે આયોજન કર્યું હતું. આ માટે થોડા દિવસો પહેલાં પ્રાયોગિક ધોરણે ટોકન સિસ્ટમ શરૂ કરવા સાથે પેપરલેસ કામગીરી માટેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જોકે પહેલા જ પ્રયાસમાં સોફ્ટવેરમાં કેટલીક ક્ષતિઓ બહાર આવી હતી જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ હતી. તેના કારણે સોફ્ટવેર અપડેટ કર્યા બાદ બે ફેઝનો પ્રોજેક્ટ હવે જુન મહિનામા શરૂ કરવા આયોજન થઈ રહ્યું છે.
સ્મીમેર હો્સ્પિટલને પેપરલેસ બનાવવા માટે બે ફેઝની કામગીરી હાથ ધરવામાં આવશે. ટોકનના આધારે દર્દીઓની સારવાર પ્રક્રિયા શરૂ કરવાનો અને તેમાં જ ઓપીડીને લગતી તમામ બાબતોનો સમાવેશ કરાશે. જ્યારે બીજા ફેસમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગતોનું પૃથક્કરણ, ઇમરજન્સી કેસની વિગતો, તેમજ મસ્કતી હોસ્પિટલ અને તમામ હેલ્થ સેન્ટરને આવરી લેવાનું આયોજન કરાશે. આ અપગ્રેડેશન માટે જુન મહિનાનો સમય લાગી શકે તેમ હોવાથી સ્મીમેર હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે પહેલો અને બીજો ફેઝ જુન મહિના સુધી શરુ થઈ જાય તેવી શક્યતા છે.