સેલવાસના નરોલીમાં વાડીમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી
image : Freepik
- મૃતક ઘરેથી કુદરતી હાજતે ગયા બાદ પરત નહી આવતા શોધખોળમાં વાડીમાં લાશ મળી
- મૃતકની પુત્રીના પ્રેમીએ પ્રેમ સંબંધમાં આડખીલ બનતા ગળુ દબાવી કાસળ કાઢી નાંખ્યું
વાપી,તા.06 ફેબ્રુઆરી 2024,મંગળવાર
સેલવાસના નરોલી ગામે હવેલી ફળિયામાં આવેલી વાડીમાંથી ગઇકાલે મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. મહિલા કુદરતી હાજતે ગયા બાદ પરત આવી ન હતી. પોલીસે આ કેસમાં મૃતકની પુત્રીના પ્રેમીને પકડી પાડયા બાદ તેણે જ ગળુ દબાવી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. મૃતકે આરોપીને પુત્રી સાથે લગ્ન કરાવવા ઇન્કાર કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતિ વિગત મુજબ સેલવાસના નરોલી ગામે હવેલી ફળિયાના રહેતી સંગીતા હરેશભાઇ વારલી (ઉ.વ.39) ગઇકાલે સોમવારે સવારે કુદરતી હાજતે ગઇ હતી. જો કે લાંબા સમય બાદ સંગીતા પરત ઘરે નહી આવતા પુત્ર સહિત લોકોએ શોધખોળ આદરી હતી. જે દરમિયાન ફળિયામાં જ આવેલી વાડીમાં તપાસ કરતા સંગીતાની લાશ મળી આવી હતી. બનાવને પગલે વાડી માલિક સહિત લોકો દોડી ગયા હતા. બાદમાં પોલીસ અધિકારી સહિતનો કાફલો પણ પહોંચી ગયો હતો. તપાસમાં સંગીતાનું દુપટ્ટા વડે ગળુ દબાવી હત્યા કરાઇ હોવાનું પ્રતિક થયા બાદ લાશનો કબ્જો લઇ પી.એમ. માટે મોકલી દીધી હતી.
પોલીસે હત્યાનો ગુનો નોંધી પરિવારજનો અને લોકોની પૂછપરછ કર્યા બાદ ભિલાડ ખાતે રહેતા જય ઇશ્ર્વરભાઇ વારલી કરેલી સઘન પૂછપરછમાં તેણે ગુનાની કબુલાત કરી હતી. બે સંતાનનો પિતા હોવા છતાં જયે મૃતકની પુત્રી સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાનો હતો. જો કે સંગીતાએ વિરોધ કરી લગ્ન કરાવવા ઇન્કાર કર્યો હતો. બેથી ત્રણ વખત સમાધાન પણ થયું હતું. જયે આ બાબતે અદાવત રાખી અને આડખીલ રૂપ બનેલી સંગીતાનું કાસળ કાઢી નાંખ્યું હતું. પોલીસે આરોપી જય વારલીની અટક કરી હતી.