સુરતમાં ભ્રષ્ટાચારના ખાડા ભાજપ માટે બન્યા માથાનો દુખાવો, ભાજપના વોર્ડના ગ્રુપમાં બિસ્માર રસ્તા અને ભુવા અંગે કાર્યકરોનો આક્રોશ
Surat BJP : સુરત શહેરમાં અત્યાર સુધી બિસ્માર રસ્તા અને ખાડાથી સુરતીઓ પરેશાન હતા પરંતુ હવે સુરતમાં ભ્રષ્ટાચારના ખાડા હવે ભાજપના કાર્યકરોને પણ અકળાવી રહ્યા છે. લોકોના ભારે આક્રોશ બાદ હવે સંગઠનના હોદ્દેદારોમાં પણ ભારે રોષ ફેલાઈ રહ્યો છે. આ મુદ્દો હવે ભાજપના વોર્ડના ગ્રુપમાં બિસ્માર રસ્તા અને ખાડા અંગે કાર્યકરોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. રસ્તા ખરાબ છે તે રાંદેર ઝોનના કેટલાક ભાજપના કાર્યકરોએ જ ભાજપના ગ્રુપમાં અંદોલનની ચીમકી આપી છે. આગામી દિવસોમાં આ વિસ્તારના વિદ્યાર્થીઓ પાસે પાવડા તગારા લઈ રસ્તા રીપેર કરવાની ચીમકીના કારણે રાજકારણીઓ અને કોર્પોરેટરોની ઉંઘ ઉડી ગઈ છે.
ચોમાસા સાથે જ સુરતમાં રસ્તા પર ભુવા પડવા અને રસ્તા તૂટવાની ઘટનાએ માઝા મુકી છે તેમાં પણ મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસના લોકો માટે રસ્તા આફતરૂપ બની ગયાં છે. લોકોની અનેક ફરિયાદ બાદ પણ રસ્તા રીપેર ન થતાં ચુંટણી સમયે મતદાન માટે સોસાયટીઓમાંથી લોકોને મતદાન મથક સુધી લઈ જતાં વોર્ડના હોદ્દેદારોને પકડીને આક્રોશ ઠાલવી રહ્યાં છે. વારંવાર રજૂઆત બાદ પણ રસ્તા રિપેર ન થતાં લોકોમાં આક્રોશ હવે વોર્ડના કાર્યકરોનો આક્રોશ બની રહ્યો છે. તેમાં પણ રાંદેરના વોર્ડ નંબર 10 માં રસ્તાના મુદ્દે વોટ્સએપ ગ્રુપમાં રમખાણ ચાલી રહ્યું છે. રસ્તાથી અકળાયેલા લોકો જે ભાષામાં આક્રોશ ઠાલવતા હતા તે જ ભાષા હવે વોર્ડના હોદ્દેદારો બોલી લોકોનો આક્રોશ ચૂંટાયેલા કોર્પોરેટરો સુધી પહોંચાડી રહ્યા છે.
વોર્ડ નંબર 10 ના વોટ્સએપ ગ્રુપમાં હોદ્દેદારોના મેસેજનો એવો મારો છે કે કોર્પોરેટરોની હાલત કફોડી થઈ રહી છે. આ ગ્રુપમાં વોર્ડ નંબર 10માં આવતા એલપી સવાણીથી પાલનપોર જકાતનાકા સંખ્યાબંધ તૂટેલા રોડના ફોટા મૂકવામાં આવ્યા છે. સામાન્ય કામગીરી માટે કોર્પોરેટરો ફોટા મુકી દે છે પરંતુ આ બે કિલોમીટરનો આખો રોડ ખરાબ છે. તેની અનેક ફરિયાદ બાદ કોર્પોરેટરોને દેખાતો નથી તો પછી અમે ઢોલ નગારા લઈને તેમને પોંખવા આવીએ ? આ વિસ્તારમાં લોકો રહેતા નથી અને પરગ્રહના માણસો રહે છે તેવો વ્વયહાર કરવામા આવી રહ્યો છે.
આ રોડ એવા છે કે લોકોને ગાડી ચલાવવાની પણ બીક લાગે છે તેવું ખુદ ભાજપના વોર્ડના હોદ્દેદારો લખી રહ્યા છે. આ સાથે હોદ્દેદારોએ જ રોડ રીપેર ન થાય તે આંદોલન કરવાની ચીમકી પણ ગ્રુપમાં આપી છે. એક હોદ્દેદારે તો એવું પણ લખી દીધું છે કે, વહેલી તકે રોડ ન બને તો આંદોલન કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓ પાસે પાવડા તગારા લઈને રોડ રિપેર કરવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત વૃંદાવન સોસાયટી પાસે છેલ્લા બે વર્ષથી ડ્રનેજની સમસ્યા છે તે હલ થઈ નથી અને મેટ્રોની કામગીરીમાં પાંચ દિવસથી લટકતો સ્પાન લોકો માટે જોખમી બની શકે તેવી વિગત મુકી છે.
આવા અનેક અણીયારા પ્રશ્નો બોર્ડના હોદ્દેદારો ઉઠાવી રહ્યા છે તેથી કોર્પોરેટરોએ જવાબ આપવાના ફાંફા પડી રહ્યાં છે. આગામી દિવસોમાં જો રોડ રીપેરીંગની કામગીરી ન કરવામાં આવે તો લોકો તો ઠીક પણ હવે વોર્ડના હોદ્દેદારો જ કોર્પોરેટરોને ભગાડે તો નવાઈ નહીં તેવી ચર્ચા હવે થઈ રહી છે.