Get The App

ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના પાસે, ડ્રગ્સ માફિયાને બચાવવા સુરત પોલીસ પર દબાણ: ગોપાલ ઇટાલિયા

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના પાસે, ડ્રગ્સ માફિયાને બચાવવા સુરત પોલીસ પર દબાણ: ગોપાલ ઇટાલિયા 1 - image


Gopal Italia on Surat Drugs Case : સુરત શહેરમાંથી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર સામે માફિયા ગેંગની કલમ દબાણના કારણે લગાવવામાં ન આવી હોવાનો આક્ષેપ આપના નેતા ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. જો આ પ્રકારનો આરોપ લગાવવામાં આવે તો આરોપીની મિલકત સરકારમાં જમા કરવી પડે તેમ છે. પરંતુ ડ્રગ્સ માફિયાની મિલકત બચાવવા માટે ભાજપના નેતાએ દબાણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેઓએ રાજ્ય સરકારના ગૃહમંત્રી બચાવી રહ્યા છે તેવા ગંભીર આક્ષેપ કર્યો છે. 

સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ કરી હતી. તેમાં સુરતના ડ્રગ્સ કેસમાં રાજ્યના ગૃહમંત્રી સહિત ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. પત્રકાર પરિષદમાં તેઓએ કહ્યું હતું કે, ગુજરાતના લોકો બુટલેગરોના ત્રાસમાંથી હજુ આઝાદ થયા ન હતા, ત્યાં તો હવે ભાજપના રાજમાં ભાજપના લોકો દ્વારા ગુજરાતના લોકોને ડ્રગ્સના દુષણમાં હોમવાનું કામ થઈ રહ્યું છે. દારૂની લડાઈ હજી પૂરી નથી થઈ અને ભાજપના રાજમાં ડ્રગ્સનું પ્રમાણ વધે તો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે.

વધુ વાંચો : 'ઉડતા ગુજરાત' : સુરતમાં હવે ભજીયાની લારી પર એમ.ડી. ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ, તંત્ર સામે સવાલ

ગુજરાતમાં ડ્રગ્સ વેચતા લોકોના લોકોના ફોટા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ જોવા મળ્યા છે. આમ જોતા લાગી રહ્યું છે કે આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું છે. આજે બધાને ખ્યાલ છે કે દારૂના ધંધામાં ભાજપના કયા કયા નેતાઓ ભાગીદાર છે. અને હવે ડ્રગ્સના ધંધામાં જે રીતે ભાજપના નેતાઓ પકડાઈ રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. તેમ છતાં પણ કોઈને છોડવામાં નહીં આવે તેવી વાત કરીને હર્ષ સંઘવી ગુજરાતના લોકોની આંખમાં ધૂળ નાખે છે.

સુરતમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા વિકાસ આહિર નામનો વ્યક્તિ માફિયા ગેંગ ચલાવે છે, તે ડ્રગ્સની ગેંગ ચલાવે છે, અપહરણની ગેંગ ચલાવે છે, લૂંટની ગેંગ ચલાવે છે, ખંડણી ઉઘરાવવાની ગેંગ ચલાવે છે. આ વ્યક્તિ પર 15થી વધુ એફઆઇઆર નોંધાયેલ છે.

આ તમામ એફ.આઇ.આર મારામારી કરવા, ધાકધમકી કરવાની, લૂંટ કરવાની, અપહરણ કરવાની, બળજબરી કરવાની, આ રીતની ફરિયાદો તેની અને તેની ગેંગ પર નોંધાયેલ છે. આમ છતાં પણ જ્યારે આ વ્યક્તિ આજે ડ્રગ્સ કેસમાં પકડ્યો ત્યારે ફક્ત ડ્રગ્સની જે કલમ લગાડવામાં આવી છે. આ એફઆઇઆરમાં માફિયા ગેંગની કોઈ કલમ લગાડવામાં આવી નથી.

વધુ વાંચો : ભાજપના નેતાએ યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવ્યા, પોતાને ગૌરક્ષક ગણાવતા વિકાસ આહિર અંગે ઘટસ્ફોટ

આ વિકાસ આહિર પર લગાડવામાં આવે તો કાયદા અનુસાર વિકાસ આહિર અને આ તમામ ગુનેગારો પાસે જેટલી પણ સંપત્તિ છે તે સંપત્તિ સરકાર સીલ કરે અને તેને ખાલસા કરે. જો આ કલમ લાગતી તો વિકાસ આહિરના તમામ પાર્લર પોલીસે સીલ કરવા પડતા, બધી ગાડી, મોબાઇલ, પ્લોટ, મકાન બધું સરકારે સીલ કરવું પડતું. આમ ન થાય તે માટે આ ડ્રગ્સ માફિયાનો બચાવ કરવા માટે ભાજપના નેતાઓએ સુરત પોલીસ ઉપર દબાણ કર્યું, અને હર્ષ સંઘવીએ ખુલાસો કરવો જોઈએ તેવી પણ વાત તેઓએ કરી હતી.


Google NewsGoogle News