ચૂંટણીના પરિણામો બાદ સુરતમાં શાસક-વિપક્ષના નેતાઓ બોખલાઈ ગયાં : ભાજપના નેતાએ યુપી અને રાજસ્થાનવાસીઓનો આર્થિક બહિષ્કારની પોસ્ટ કરી દીધી

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
ચૂંટણીના પરિણામો બાદ સુરતમાં શાસક-વિપક્ષના નેતાઓ બોખલાઈ ગયાં : ભાજપના નેતાએ યુપી અને રાજસ્થાનવાસીઓનો આર્થિક બહિષ્કારની પોસ્ટ કરી દીધી 1 - image


Loksabha Election Result : લોકસભા 2024 ની ચૂંટણીના પરિણામ બાદ સુરતના કેટલાક રાજકીય નેતાઓ બોખલાઈ ગયા છે. ભાજપ અને કોંગ્રેસના કેટલાક બોખલાયેલા નેતાઓનો માનસિક એઠવાડ સોશિયલ મિડીયા પર ઠલવાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ભાજપના એક નેતાએ યુપી અને રાજસ્થાનવાસીઓનો આર્થિક બહિષ્કારની પોસ્ટ કરી દીધી જ્યારે કોંગ્રેસના એક નેતાઓ પરિણામ બાદ ભાજપની 400 બેઠક ન આવતા એક ગાળ સાથે 400 પાર સાથે ગાળો લખી દીધી છે. પરિણામ બાદ કેટલાક નેતાઓ બોખલાઈ જઈને સોશિયલ મીડિયા પર એઠવાડ ઠાલવી રહ્યા છે. તેની આકરી ટીકા લોકો દ્વારા કરવામાં આવી રહી છે. 

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે 400 પારનો નારો આપ્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસે સરકાર બનાવવા માટેનો દાવો કર્યો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીના આવેલા પરિણામ ચોંકાવનારા આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે કરેલો દાવો સાકાર નથી થયો તેની સાથે કેટલાક નેતાઓ બોખલાઈ ગયાં છે અને તેમની બોખલાહત સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે તે સુરતના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. 

ભાજપના એક નેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે તેના કારણે વિવાદ ઉભો થયો છે. નેતાએ પોસ્ટ કરી છે કે યુપી વાસીઓ અને રાજસ્થાનીનો બહિષ્કાર કરી દો. ભૈયાભાઈખી ખાવાનું પીવાનું કોઈ પણ વસ્તુ લેવાનું બંધ કરી દો. આ પોસ્ટ બાદ સામાન્ય લોકો સાથે ભાજપના પણ કેટલાક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર તો કોમેન્ટ કરી રહ્યાં છે તેની સાથે એવી પણ ચર્ચા કરી રહ્યાં છે કે, જો ભાજપના નેતાએ પોસ્ટ કરી છે તે મુજબ તો પાલિકાના કેટલાક રાજસ્થાની અને ઉત્તરપ્રદેશવાસી કોર્પોરેટરો છે પહેલા તેમનો વિરોધ કરવો જોઈએ. 

ભાજપ ઉપરાંત કોંગ્રેસના પણ એક નેતાએ કોમેન્ટ કરી છે તેમા ભાજપના 400 પારના દાવા પર રોષ ઠાલવવામાં આવ્યો છે પરંતુ તેમાં વિવેક ચૂકીને ગાળ લખવામાં આવી છે તે પોસ્ટથી સામાન્ય લોકો સાથે કોંગ્રેસના કેટલાક કાર્યકરો પણ નારાજગી દર્શાવી ચુક્યા છે. આમ ભાજપના અને કોંગ્રેસના કેટલાક બોખલાયેલા નેતાઓએ સોશિયલ મિડીયા પર કરેલી પોસ્ટ થી લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. લોકોમાં ભારે રોષ છે પરંતુ ભાજપ દ્વારા નેતાઓ સામે આવી પોસ્ટ બાદ પણ કોઈ પગલાં નહી ભરાતા તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.



Google NewsGoogle News