સુરતમાં ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા જુદા-જુદા વિસ્તારમાં રાજકીય મતભેદો ભૂલી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે રાજકીય મતભેદો દૂર કરી દીધા
- તમામ મુદ્દે એક બીજા સામે બાંયો ચઢાવતા રાજકારણીઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી
પ્રતિનિધિ દ્વારા, સુરત, સોમવાર
આજે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીએ સુરતમાં રાજકારણીઓના મતભેદ દૂર કરી દીધા હતા. તમામ મુદ્દે એક બીજા સામે બાંયો ચઢાવતા રાજકારણીઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. સુરતમાં ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કરી ઉજવણી કરતા લોકોને પણ સુખદ આશ્ચર્ય થયું હતું.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે સુરત સહિત સમગ્ર દેશના લોકો રામ મય બની ગયા છે. અત્યાર સુધી આવા મુદ્દાઓમાં લોકોને એક થઈ ઉજવણી કરતા જોયા હતા પરંતુ પહેલી વાર સુરતમાં એવું બન્યું છે કે કોઈ એક મુદ્દે તમામ રાજકીય પક્ષો એક હોય અને કોઈ પણ તેનો વિરોધ કરતું ન હોય. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે યોજાયેલા અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ઉધના ખાતેના એક મંદિરમાં સફાઈ અભિયાનમાં પણ તેઓ જોડાયા હતા. આ ઉપરાંત સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ સહિત અનેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં રામ મંદિર અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરતના મેયર દક્ષેશ માવાણી, સ્થાયી અદ્યક્ષ રાજન પટેલ સહિત અનેક કોર્પોરેટરોએ પણ પોતાના વિસ્તાર સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉત્સાહભેર જોડાયા હતા.
કોંગ્રેસના અનેક નેતાઓએ સોશિયલ મીડિયા મારફતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને શુભેચ્છા આપી હતી. તો પુણા વિસ્તારમાં કોંગ્રેસ નેતા સુરેશ સુહાગીયાએ પોતાના વિસ્તારમાં પુણાગામ રામોત્સવ સમિતિ બનાવી રામ ભગવાનની શોભાયાત્રામાં સ્થાનિકો સાથે લાભ લીધો હતો અને મહા આરતી પણ કરી હતી.
હાલ ભાજપના કટ્ટર હરીફ એવા પાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટી પણ છેલ્લા કેટલાક દિવસથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે ઉત્સવનું આયોજન કરી રહી છે. આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સુરત આપ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આપ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે કેસરી સાફા પહેરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી.