સુરતમાં કરોડોના બંગલામાં પણ કોર્પોરેટરોની ગ્રાન્ટના બાંકડા પહોંચી જતા વિવાદ
Surat Corporation Controversy : સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવતા બાંકડાનો વધુ એક વિવાદ બહાર આવ્યો છે. અત્યાર સુધીમાં નાના એપાર્ટમેન્ટ કે ધાબા પર બાંકડા પહોંચી જતા હતા. પરંતુ હવે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સોસાયટીના ગેટ પર મુકેલા કરોડો રૂપિયાના બંગલાના પાર્કિંગ અને ગેલેરીમાં પહોંચી ગયાં છે. જોકે, આ અંગે સોસાયટીએ પાલિકાને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં ન ભરાતા પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી બાંકડાની ફાળવણી કરવામાં આવે છે. આ બાંકડા વટેમાર્ગુ અથવા સોસાયટીના કેમ્પસ બહાર લોકોને ઉપયોગ થાય તેવી રીતે મૂકવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટના બાંકડાના અનેક દુરૂપયોગ થતો હોવાની ફરિયાદ થઈ રહી છે. એક પછી એક અનેક ખાનગી જગ્યાએ કોર્પોરેટરોની ગ્રાન્ટના બાંકડા મળતા હતા. પરંતુ હાલમાં પાલિકાના રાંદેર ઝોનમાં કોર્પોરેટરની ગ્રાન્ટના બાંકડાની ફરિયાદ કરવામાં આવી છે તે ઘણી જ ગંભીર છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં આવેલી પૃથ્વી રો-હાઉસ બહાર ગેટ પાસે મુકાયા હતા. નગરસેવક કેતન મહેતાના નામના નવા બાંકડા સોસાયટીના એક બંગલાની ગેલેરીમાં, એક એ ગાર્ડનમાં તો એક બંગલાના માલિકે પાર્કિંગમાં મુક્યા છે. આ અંગે સોસાયટીના રહીશોએ પાલિકા અને કોર્પોરેટર બન્નેને ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ કામગીરી થઈ નથી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, જ્યાં બાંકડા મુકાયા છે તેએક બંગલાના માલિક તો બાંકડા પરથી નગરસેવકનું નામ પણ છેકી કાઢ્યું છે. આવી ગંભીર ફરિયાદ હોવા છતાં કોઈ પગલાં ન ભરાતા પાલિકાની કામગીરી સામે આક્ષેપ થઈ રહ્યો છે.