ભણેલા ગણેલા હોવું એ કોઈ ગુણવતા નથી, ભણેલો તો લાદેન પણ હતો...આંતકવાદીઓ પણ ઉચ્ચ ડિગ્રી લઈને બેઠા છે : રાજ્યપાલ
- નર્મદ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં રાજ્યપાલે વિદ્યાર્થીઓને સત્ય, શિક્ષણ માટે આપેલી શીખ
સુરત,તા.26 ફેબ્રુઆરી 2024,સોમવાર
એકવાર ડીગ્રી લીધા પછી સત્યનું આચરણ નહિ કર્યું તો એનો કોઈ વિશેષ લાભ નથી. ભણેલા ગણેલા હોવું એ કોઈ ગુણવતા નથી. ભણેલો તો લાદેન પણ હતો. આંતકવાદીઓ પણ ઉચ્ચ ડિગ્રી લઈને બેઠા છે. પરંતુ અસલી વસ્તુ છે વિશેષ ગુણો અને તેમાં સૌ પ્રથમ છે સત્ય નું આચરણ કરવું. નર્મદ યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દીક્ષાંત પ્રવચનમાં વિદ્યાર્થીઓને શીખ આપી હતી.
નર્મદ યુનિવર્સિટીના આજે 55 માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે 12 વિદ્યાશાખાઓના 96 અભ્યાસક્રમોના 17,375 યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 81 પી.એચ.ડી. તથા 4 એમ.ફિલ.ને પદવીઓ એનાયત થઈ હતી.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રવચનમાં શિક્ષણ અને સત્ય પર ભાર મુકતા જણાવ્યું હતું કે, 'ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં 'सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः' સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું .સત્ય બોલનાર પર વિશ્વાસ રાખવામાં આવે છે. સત્યવાદી વ્યક્તિ હંમેશા નિર્ભય હોય છે. આથી જીવનમાં ડિગ્રી લીધા પછી સત્યનું આચરણ નહિ કર્યું તો એનો કોઈ વિશેષ લાભ નથી. ભણેલા ગણેલા હોવું એ કોઈ ગુણવતા નથી. ભણેલો તો લાદેન પણ હતો. આંતકવાદીઓ પણ ઉચ્ચ ડિગ્રી લઈને બેઠા છે. પરંતુ અસલી વસ્તુ છે વિશેષ ગુણો અને તેમાં સૌ પ્રથમ છે સત્ય નું આચરણ કરવું. અભ્યાસનું મહત્વ સમજાવ્યું હતું કે જેમ ખેડૂત ખેતરમાં જવાનું છોડી દે તો ખેતીપાક માં નુકસાન થાય. તેવું જ રીતે વિદ્યાથીઓ પુસ્તક વાંચવાનું બંધ કરી દે અભરાઈ પર મૂકી દે તો વિદ્યાર્થી વિદ્યાર્થી નહિ રહેશે. આથી સતત શીખતા રહેવાનું. શિક્ષણ સિવાય બીજું કોઈ ધન વિશ્વમાં નથી.'
વધુમાં તેમણે જણાવ્યું હતું કે 'આજે વ્યક્તિ પાસે ગાડી, બંગલા રૂપિયા પૈસા બધું જ છે. પરતું જેટલો વિકાસ બહાર નો થતો ગયો તેમ તેમ માણસનું હદય નાનું થતું ગયું. આપણી વિચારસરણી ટૂંકી થતી જાય છે. આજે માતા પિતા માટે ઘરમાં રહેવા માટે જગ્યા નથી. તો પછી શું કામ છે આ ડિગ્રીનું, શું કામ છે આ ભણતરનું. આપણી સંસ્કૃતિથી વિરોધી સંસ્કૃતિ છે. આ યુરોપની સંસ્કૃતિ હોય શકે. જેમાં દીનતા, હીનતા આધ્યાત્મિકતા નથી.'
વિદ્યાર્થીઓને ટકોર કરતાં તેમણે કહ્યું કે 'જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે.'