Get The App

વિવાદ વધુ વકરે તે પહેલા સુરતના ઉપશાસનાધિકારીએ પરિપત્ર જ બદલી નાખ્યો

Updated: Mar 15th, 2023


Google NewsGoogle News
વિવાદ વધુ વકરે તે પહેલા સુરતના ઉપશાસનાધિકારીએ પરિપત્ર જ બદલી નાખ્યો 1 - image


- શાળાના કાર્યક્રમમાં હાજરી માટે ફરજિયાત અને કાર્યકરો શબ્દની બાદબાકી કરી નવો પરિપત્ર જાહેર

- ઉપશાસનાધિકારીએ જુના પરિપત્રમાં ચુંટાયેલા પ્રતિનિધિ સાથે કાર્યકરોને ફરજ્યાત આમંત્રણનો આદેશ કર્યો હતો વિવાદ જોતાં કાર્યકરોને આમંત્રણ શબ્દ કાઢવા સાથે શાળા કક્ષાએથી થતા કાર્યક્રમોની જાણ કરવાનો ઉલ્લેખ કરવો પડ્યો  

સુરત,તા.15 માર્ચ 2023,બુધવાર

વિવાદનો પર્યાય બની ચૂકેલી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાળાના કાર્યક્રમોમાં રાજકીય પક્ષના કાર્યકરોને ફરજિયાત આમત્રણ આપી પ્રોટોકોલ જાળવવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર બહાર પડતાં જ વિવાદ શરૂ થયો હતો અને આ વિવાદ વધુ વકરે તે પહેલાં જ ઉપશાસનાધિકારીએ જુનો પરિપત્ર પરત ખેંચી નવો પરિપત્ર જાહેર કરીને નવા પરિપત્રમાં કાર્યકરોને આમંત્રણ શબ્દ બાદ કરવા સાથે ફરજિયાત આમંત્રણ શબ્દ કાઢીને શાળાએ થતાં કાર્યક્રમની જાણ કરવાનો ઉલ્લેખ કરી દીધો છે. 

વિવાદ વધુ વકરે તે પહેલા સુરતના ઉપશાસનાધિકારીએ પરિપત્ર જ બદલી નાખ્યો 2 - image


( ડાબી બાજુ જુનો પરિપત્ર અને જમણી બાજુ વિવાદ બાદ સુધારેલો પરિપત્ર)

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ રાજકારણીઓનો રોલમાં હોય તેમ સમિતિનો વહીવટ ચલાવી રહ્યાનો આક્ષેપ છાસવારે થઈ રહ્યો છે. આ આક્ષેપ વચ્ચે જ ઉપશાસનાધિકારીએ ગઈકાલે સુરત પાલિકા સંચાલિત શાળામાં થતા વિવિધ કાર્યક્રમોમાં આમંત્રણ મુદ્દે એક પરિપત્ર જાહેર કરતા વિવાદ ઉભો થયો હતો. ગઈકાલે ઉપશાસનાધિકારીએ જે પરિપત્ર જાહેર કર્યો હતો તેમાં શાળામાં થતાં તમામ કાર્યકરોમાં શિક્ષણ સમિતિના સભ્યો, પદાધિકારીઓ સાથે કોર્પોરેટરો ઉપરાંત સ્થાનિક કાર્યકરોને ફરજ્યાત આમંત્રણ આપવું અને તેનો પ્રોટોકોલ જાળવવો તેવો ઉલ્લેખ કર્યો હતો. સમિતિના કાર્યક્રમોમાં શાળા કક્ષાએથી ચુંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવે છે અને પ્રોટોકોલ પણ જાળવવામાં આવે છે. તેમ  છતાં સ્થાનિક કાર્યકરોનો રોફ વધે તે માટે કાર્યકરોને ફરજ્યાત આમંત્રણ આપવા માટેનો પરિપત્ર જાહેર કરાયો હતો. આ પરિપત્રના કારણે વિવાદ ઉભો થયો હતો. જોકે, વિરોધ પક્ષે આ પરિપત્રનો કોઈ વિરોધ કર્યો ન હોવા છતાં મીડિયામાં મુદ્દો આવતા વિવાદ મોટો થાય તેમ હોવાથી ઉપશાસનાધિકારીએ  યુ ટર્ન લઈ લીધો છે. 

આ વિવાદ વધુ વકરે તે પહેલાં જ ઉપશાસનાધિકારીએ શાળા કક્ષાએ થતા કાર્યક્રમમાં આમંત્રણ માટે બીજો નવો પરિપત્ર જાહેર કરી દીધો છે. આ નવા પરિપત્રમાં શાળા કક્ષાએ થતાં કાર્યક્રમોમાં શિક્ષણ સમિતિના સભ્યો, પદાધિકારીઓ અને નગર સેવક ને આમંત્રણ આપવું અને ટેલિફોનીક જાણ કરીને કાર્યક્રમમાં પ્રોટોકોલ જાળવવાનો ઉલ્લેખ કરાયો છે. પહેલા પરિપત્રમાં જે વિવાદ થયો હતો તેવા કાર્યકરોને આમંત્રણ આપવું અને ફરજિયાત આમંત્રણ આપવું તે શબ્દ કાઢીને નવો પરિપત્ર જાહેર કરી તેનો અમલ કરવા માટે સુચના તમામ શાળાઓને આપી દેવામાં આવી છે.


Google NewsGoogle News