43 કરોડના ખર્ચે પાલિકા પલસાણાના ઉદ્યોગોને સેકન્ડરી ટ્રીટેડ વોટર લાઈન નાંખશે

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
43 કરોડના ખર્ચે પાલિકા પલસાણાના ઉદ્યોગોને સેકન્ડરી ટ્રીટેડ વોટર લાઈન નાંખશે 1 - image


Image Source: Facebook

પલસાણાના એન્વિરો પ્રોટેક્શન લિમિટેડ ઉદ્યોગોને તબક્કાવાર 100 એમ.એલ.ડી. ટ્રીટેડ વોટર પુરૂ પાડવામાં આવશે: પાલિકાને સરકારની નીતિ અંતર્ગત કેપિટલ ખર્ચમાં 50 ટકા ગ્રાન્ટ મળશે  

સુરત, તા. 10 માર્ચ 2024 રવિવાર

સચિન અને પાંડેસરા બાદ હવે પલસાણાના ઉદ્યોગોને પણ સેકન્ડરી ટ્રીટેડ વોટર પહોચાડવા માટે સુરત પાલિકાએ કવાયત શરુ કરી છે. પલસાણા ખાતે આવેલા એન્વિરો પ્રોટેક્શન લિમિડેટને તબક્કાવાર 100 એમ.એલ.ડી. ટ્રીટેડ વોટર પુરૂ પાડવામાં આવશે. આ કામગીરી સુરત પાલિકાને 43 કરોડનો ખર્ચ થશે અને તેના માટે સરકારની નીતિ પ્રમાણે સુરત પાલિકાને કુલ કેપીટલ ખર્ચમાંથી 50 ટકા ખર્ચ મળશે. 

ચોખ્ખા પાણીની બચત અને ગંદા પાણીને ટ્રીટ કરી તેનો રી યુઝ કરવા માટે સરકાર દ્વારા ટ્રીટેડ વોટર રિસાયકલ પોલીસી બનાવી છે. આ પોલીસી અંતર્ગત સુરત પાલિકા પાંડેસરા અને સચિનના ઉદ્યોગોને ટ્રીટેડ પાણી પુરુ પાડી રહી છે. સરકાર દ્વારા હાલ પોલિસી બનાવવામાં આવી છે તેમાં આવા પ્રોજેક્ટ માટે પાલિકા જે કેપિટલ ખર્ચ કરે તેમાંથી 50 ટકા ખર્ચ સરકાર આપે છે. આ પોલીસી હેઠળ સુરત પાલિકા હવે આગામી દિવસોમાં પલસાણા ખાતે આવેલા એન્વિરો પ્રોટેક્શન લિમીટેડ (પીઈપીએલ)ના ઔદ્યોગિક ક્લસ્ટર વરાછા પમ્પીંગ સ્ટેશન થી ટ્રીટેડ વોટર પુરુ પાડવા માટે કવાયત કરી રહી છે. આ કામગીરી અંતર્ગત ટ્રાન્સમિશન લાઈન નાખવા માટેના ટેન્ડર સ્થાયી સમિતિએ મજુરી આપી દીધી છે. 

પાલિકાના વરાછા ટ્રીટેડ વોટર પમ્પીંગ સ્ટેશન થી પલસાણા એન્વિરો પ્રોટેક્શન લિમીટેડના ક્લસ્ટરને તબક્કાવાર 100 એમ.એલ.ડી. સેકન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવા માટે 43.36 કરોડની લાઈન નાખવા તથા આ કામગીરી માટે 10 વર્ષના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ 1.32 કરોડના ખર્ચ માટેની કામગીરી હિન્દુસ્તાન ફેબ્રીકેશનને સોંપવામા આવી છે. 

આ કામગીરી માટે પાલિકા સમક્ષ ચાર ઓફર આવી હતી. તેમાં 40 એમ.એલ.ડી.ના બે તથા 35 એમ.એલ.ડી. ક્ષમતાના ટર્શરી ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય ના પ્લાન્ટ કાર્યરત છે. હવે પાલિકાએ ટ્રીટેડ વેસ્ટ વોટરને પણ રી સાયકલ રી યુઝ પોલિસી અંતર્ગત સેકન્ડરી ટ્રીટેડ વોટર પણ ઉદ્યોગોને આપવાની યોજના અમલમાં મુકી છે. આ કામગીરી માટે પાલિકાને સરકાર તરફથી 50 ટકા કેપિટલ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ મળે છે તેથી આ પોલીસીનો અમલ પાલિકા મહત્તમ કરીને ચોખ્ખા પાણીનો બચાવ અને ગંદા પાણીનો ઉપયોગ કરવાની યોજના નો અમલ કરી રહી છે.


Google NewsGoogle News