ચુંટણીની આચાર સંહિતા જાહેર થાય તે પહેલાં સુરતમાં લોકાર્પણનો ધમધમાટ
- પાલિકાનું અડાજણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સુમન સ્કૂલમાં ઈન્ટરએક્ટિવ સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 શાળાઓ, સુમન સ્કૂલની 23 શાળાઓ અને 169 ઈન્ટરએક્ટિવ સ્માર્ટ બોર્ડ દ્વારા આધુનિક પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું શરુ થયું
સુરત,તા.06 ઓક્ટોબર 2022,ગુરૂવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય અને આચારસંહિતાનો અમલ થાય તે પહેલાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં લોકાર્પણ અને ખાત મુર્હૂતની મોસમ શરૂ થઈ છે. ચુંટણીની આચાર સંહિતા જાહેર થાય તે પહેલાં લોકાર્પણનો ધમધમાટ થઈ રહ્યો છે. આજે સુરત પાલિકાના અડાજણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સુમન સ્કૂલમાં ઈન્ટરએક્ટિવ સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ કરવામા આવ્યું હતું.
થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 3450 કરોડના પ્રકલ્પોના ખાત મુર્હૂત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે ચૂંટણી જાહેર થાય તે પહેલાં પાલિકાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાત મુર્હૂત માટે ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેના ભાગ રૂપે આજે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અઢી વર્ષ પહેલાં બન્યું હતું પરંતુ તેનું સંચાલન પીપીપી ધોરણે કરવાની કામગીરી હાલમાં થઈ હોવાથી આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 શાળા, સુમન સ્કૂલની 23 શાળાઓ અને 169 ઈન્ટરએક્ટિવ સ્માર્ટ બોર્ડ દ્વારા આધુનિક પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું શરૂ કરવામા આવ્યું છે. આ બન્ને પ્રોજેક્ટ માટેનું લોકાર્પણ નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.