સુરતની શિક્ષણ સમિતિ છે કે ઈવેન્ટ મેનેજમેન્ટની કંપની? શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ કાર્યક્રમોની ભરમાળમાં વિદ્યાર્થીઓ-શિક્ષકો વ્યસ્ત

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
સુરતની શિક્ષણ સમિતિ છે કે ઈવેન્ટ મેનેજમેન્ટની કંપની?   શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ કાર્યક્રમોની ભરમાળમાં વિદ્યાર્થીઓ-શિક્ષકો વ્યસ્ત 1 - image


Surat Education Committee : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શૈક્ષણિક કાર્ય સિવાયના વિવિધ પ્રવૃત્તિઓની ભરમાળ થઈ રહી છે. શૈક્ષણિક સત્ર શરૂ થયું અને માંડ અઢી મહિનાનો સમય થયો છે ત્યાં સુરત શિક્ષણ સમિતિમાં શૈક્ષણિક કાર્ય સિવાયની વિવિધ પ્રવૃત્તિઓની ભરમાળ થઈ ગઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓ-શિક્ષકો આ ઈતર પ્રવૃત્તિમાં વ્યસ્ત જોવા મળે છે. શિક્ષકો વિવિધ પ્રવૃત્તિઓના આંકડા ભરવામાંથી ઊંચા આવતા નથી તેથી શિક્ષણ માટે પૂરતો સમય આપી શકતા ન હોવાથી  સમિતિનું શિક્ષણ નબળું હોવાની ફરિયાદ થઈ રહી છે. આ ઉપરાંત દરેક પ્રવૃત્તિ કરવા સાથે ફોટોગ્રાફ, વિડીયોગ્રાફી કરીને ફોટા વિવિધ જગ્યાએ અપલોડ કરવા માટે સુચના હોવાથી કેટલાક લોકો એવા પણ આક્ષેપ કરે છે કે આ સુરતની શિક્ષણ સમિતિ છે કે ઈવેન્ટ મેનેજમેન્ટની કંપની ? 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 960 કરોડથી વધુનું બજેટ ધરાવે છે અને પ્રત્યેક વિદ્યાર્થી પાછળ 35 હજારથી વધુનો ખર્ચ કરવામાં આવે છે તે ખાનગી શાળાઓ કરતાં ઘણો વધુ છે. તેમ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણના સ્તર સામે અનેક વખત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેની પાછળ શિક્ષકોની આવડત કે વિદ્યાર્થીઓની ધગસ નહીં પરંતુ સરકાર દ્વારા અને શાસકો દ્વારા ઢગલેબંધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે તેમાંથી જ શિક્ષકો ઉંચા આવતા નથી. સમિતિની શાળામાં સત્ર શરૂ થયું અને માંડ બેથી અઢી મહિના જેટલો સમય પુરો થયો છે ત્યાં પહેલા પ્રવેશોત્સવ, શિક્ષા સપ્તાહ, નારી વંદના કાર્યક્રમ, વિવિધ સ્પર્ધાઓ, વિવિધ રેલીઓ સહિતના ઢગલેબંધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું હતું.

એટલું જ નહીં પરંતુ આ બધા કાયર્ક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને જોડાયા બાદ જે એક્ટીવીટી કરવામા આવે છે તેના ફોટોગ્રાફ પાડવાના અને તેને શોસિયલ મીડિયામાં અથવા તો જ્યાં સૂચના આપી હોય ત્યાં અપલોડ કરવા જેવી કામગીરી પણ શિક્ષકોએ કરવાની હોય છે. આ ઉપરાંત રોજ હાજરી પુરી તેને ઓનલાઈન કરવાની કામગીરી પણ કરવાની હોય છે. જેના કારણે શિક્ષકો ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા હોય તેમ કાર્યક્રમનું આયોજન, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને ત્યાર બાદ સોશિયલ મિડિયામાં વાયરલ કરવા સુધીની કામગીરીમાં જોડાય છે તેના કારણે તેમની પાસે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટેનો સમય ઘટે છે તેથી શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.


Google NewsGoogle News