સુરતના પુણા અને સરથાણા પોલીસ સ્ટેશનમાં કોઇપણ ટેમ્પરરી કે પરમેન્ટ પરવાનગી વગરના પતરાના ડોમ સામે કામગીરી કરવા અરજી
Surat News : રાજકોટની દુર્ઘટના બાદ સુરત પાલિકા વિસ્તારમાં છેલ્લા છ દિવસથી સીલીંગની કામગીરી થઈ રહી છે તેમાં નાના માણસોની હેરાનગતિ થતી હોવાની વ્યાપક ફરિયાદ થઈ રહી છે. સુરત પાલિકા દ્વારા નાની દુકાનો સીલ કરવામા આવી રહી છે પરંતુ પાલિકાની કચેરી કે સરકારી બિલ્ડિંગમાં ફાયરના નિયમોનો ભંગ થતું હોવા છતાં કોઈ કામગીરી થતી નથી. આજે સુરત પાલિકા કમિશનરને એક એડવોકેટે અરજી કરી છે કે જે લોકો નિયમોનું પાલન કરાવે છે તેઓ જ નિયમોનું પાલન કરતા નથી. સુરતના પુણા અને સરથાણા પોલીસ સ્ટેશન કોઇ પણ ટેમ્પરરી કે પરમેન્ટ પરવાનગી વિના પતરાનું ડોમ બનાવવામા આવ્યા છે તો તેમની સામે આકરા પગલાં ભરવાની માગણી કરી છે.
સુરત શહેરના એક એડવોકેટે સુરત પાલિકા કમિશનરને એક અરજી કરી છે. જેમાં તેઓએ અરજીમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા વખતથી સુરતના પુણા અને સરથાણા પોલીસ સ્ટેશનના બાંધકામાં કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી નથી અને ફાયર સિસ્ટમ પણ નથી. આવી સ્થિતિમાં પોલીસ સ્ટેશનમાં અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. કોઈ અકસ્માત થાય તે પહેલાં પુણા તથા સરથાણા પોલીસ સ્ટેશન સીલ કરવાની કામગીરી કરવી જોઈએ.
સુરત શહેરના નાના માણસો સામે કામગીરી કરીને તેમના લાઈટ મીટરનું કનેક્શન કાપી નાંખવા અથવા ટેમ્પોરરી સ્ટ્રક્ચર પરવાનગી વિના દુકાન અથવા ગોડાઉન અથવા ઓફિસ બનાવેલ હોય તો તેને સીલ મારવા અંગેની કામગીરી પૂરજોશમાં યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
પરંતુ સુરત શહેરમાં આવેલ પુણા અને સરથાણા પોલીસ સ્ટેશનમાં કોઇ પણ ટેમ્પરરી કે પરમેન્ટ પરવાનગી વિના પતરાનાં ડોમ બનાવીને તેમાં કામગીરી કરી રહ્યા છે. જો કાયદાના રક્ષક જો કોઇ કાયદાનું પાલન ના કરતા હોય, તો સામાન્ય વ્યક્તિ પર આપ આવા જુલ્મો કેમ કરવામાં આવે છે. પુણા અને સરથાણા પોલીસ સ્ટેશન ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ કરેલ છે તેમની પાસે કોઈપણ બાંધકામની પરવાનગી નથી તેમજ ફાયર સિસ્ટમ નથી. આ જગ્યા પર હજારો લોકોની અવર જવર રહેતી હોય છે છતાં આ લોકો પાસે એક પણ ફાયર સિસ્ટમ નથી તે અંગેના અમારી પાસે પૂરતા પુરાવા છે. જેના કારણે અકસ્માત થાય તે પહેલાં આ બે પોલીસ સ્ટેશન તાકીદે બંધ કરાવવા અરજી કરવામાં આવી છે. જો કામગીરી ન કરવામાં આવે તો ઉચ્ચ ન્યાયાલયમાં રીટ પિટીશન કરવી પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.