સુરત પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની વધુ એક પોલ ખુલી : કતારગામના લલિતા ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા
- અનેક ફરિયાદ બાદ કામગીરીમાં વેઠ ઉતારતા કતારગામ લલિતા ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા
- સંકલન બેઠકમાં કોર્પોરેટરોએ પ્રી-મોનસુન કામગીરી નબળી થઈ છે હજી સુધારવામાં ન આવે તો હાલત કફોડી થશે તેવી ફરિયાદ સાચી થઈ
સુરત,તા.5 જુલાઈ 2023,બુધવાર
સુરતમાં જેમ જેમ વરસાદ આવી રહ્યો છે તેમ તેમ પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પુલ ખુલીને બહાર આવી રહી છે. કતારગામ ઝોનની સંકલન બેઠકમાં કામગીરી માટે ફરિયાદ થઈ હતી ત્યારબાદ પણ કામગીરી ન થતાં આજે કતારગામ ઝોનના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો.
સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં કોર્પોરેટરોને અધિકારીઓ વચ્ચે સંકલન બેઠક થઈ હતી તેમાં પ્રિમોન્સૂન કામગીરી નબળી છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી. પ્રિમોન્સૂન કામગીરી અંગે ગોળ ગોળ જવાબ અધિકારીઓએ આપતા કોર્પોરેટરોએ સંકલન બેઠક છોડી દીધી હતી. ત્યારબાદ પાલિકા કમિશનરને ફરિયાદ કરી હતી કે કતારગામ ઝોનમાં અધિકારીઓ પ્રિમોન્સૂન કામગીરીને બદલે ગેરકાયદેસર બાંધકામના વહીવટમાં પડ્યા છે જો હજી પણ કામગીરી ન સુધારવામાં આવે તો કતારગામ ઝોનની સ્થિતિ નર્કાગાર થાય તેવી હાલત છે.
આવી ગંભીર ફરિયાદ બાદ પણ કતારગામ ઝોનમાં કામગીરી યોગ્ય કરવામાં આવી ન હોવાથી તેનું પરિણામ લોકોએ ભોગવવું પડી રહ્યું છે. આજે સવારે પડેલા વરસાદમાં કતારગામ ઝોનમાં આવેલા લલિતા ચોકડી તથા અન્ય વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. પીક અવર્સમાં જ આ પાણીનો ભરાવો થતા નોકરી ધંધે જનારા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી.
કતારગામ ઝોનની નબળી કામગીરી અંગે કરેલી ફરિયાદ બાદ પણ નક્કર કામગીરી ન કરતા હવે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. પાલિકા કમિશનરને ફરિયાદ બાદ પણ અધિકારીઓએ કામગીરી ન કરતા આજે અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.