સુરતના ઉધનાની ઓઈલની પેઢી સહિત બે સ્થળેથી રૂ.6 લાખની ઉચાપત કરનાર કર્મચારીની ધરપકડ
image : Freepik
- બીઆરસી કંપાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત શાહ એન્ટરપ્રાઈઝમાં નોકરી કરતા શૈલેન્દ્ર ઉર્ફે દિપક દુબેએ દીકરીની સારવાર માટે પેમેન્ટ જમા નહીં કરાવી અને ઉપાડ મેળવી કુલ રૂ.4.82 લાખ જમા કરાવ્યા નહોતા
- શૈલેન્દ્ર ઉર્ફે દિપક દુબેએ અગાઉ જ્યાં નોકરી કરતો હતો તે કંપનીમાંથી પણ રૂ.1.17 લાખની ઉચાપત કરી હતી
સુરત,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર
સુરતના ઉધના બીઆરસી કંપાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ઓઈલની પેઢી સહિત બે સ્થળેથી રૂ.6 લાખની ઉચાપત કરનાર કર્મચારીની ઉધના પોલીસે ધરપકડ કરી છે. કર્મચારીએ દીકરીની સારવાર માટે પેમેન્ટ જમા નહીં કરાવી અને ઉપાડ મેળવી પૈસા જમા કરાવ્યા નહોતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બારડોલીના વતની અને સુરતમાં અડાજણ સ્વામી નારાયણ મંદિરની બાજુમાં ગ્રીન હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા 45 વર્ષીય ભાવિનભાઈ મુકેશભાઇ શાહ ઉધના બીઆરસી કંપાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં શાહ એન્ટરપ્રાઈઝના નામે ઓટોમેટીવ ઓઈલ અને ગ્રીસનો વેપાર કરે છે. ધંધાર્થે પરિચયમાં આવેલા શૈલેન્દ્ર ઉર્ફે દિપક બ્રીજેશકુમાર દુબે ( ઉ.વ.33, રહે.404, એ-બ્લોક, સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટ, આશાદિપ વિધાયલ પાસે, વિષ્ણુ પાર્ક સોસાયટી, ભૈયા નગર, પુણાગામ, સુરત. મૂળ રહે.જોનપુર, ઉત્તરપ્રદેશ ) ને નોકરીની જરૂર હોય તેને ડિસેમ્બર 2021 માં રૂ.18 હજારના પગારથી ઓઈલ માર્કેટમાં વેચવા અને પેમેન્ટ લેવા નોકરીએ રાખ્યો હતો.
એક વર્ષ પછી તે એક મહિના માટે વતન ગયો ત્યારે અન્ય કર્મચારી અમિત ટોટે બાકી પેમેન્ટ લેવા ગયો ત્યારે જાણ થઈ કે શૈલેન્દ્ર ઉર્ફે દિપકે પેમેન્ટ લઈ પેઢીમાં જમા કરાવ્યું નથી અને રસીદ આપી નથી. તેણે ઓનલાઇન પેમેન્ટ પણ પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યું છે. આથી તે વતનથી પરત ફર્યો ત્યારે પૂછતાં તેણે દીકરીની સારવાર માટે પૈસાની જરૂર હોય 20 પાર્ટીઓ પાસેથી પૈસા મેળવી રૂ.2,86,239 જમા નહીં કરાવ્યાની કબૂલાત કરી હતી. તેણે દીકરીની સારવાર માટે રૂ.1.80 લાખ ઉપાડ પણ લીધો હતો અને રૂ.9916 નું ઓઈલ ખરીદી પેમેન્ટ બાકી રાખ્યું હતું. ઉપરાંત, પેઢી પાસે મોબાઈલ પણ તેણે લીધો હોય કુલ રકમ રૂ.4,82,155 તેણે ત્રણ મહિનામાં પરત કરવાનું કહ્યું હતું પણ નોકરી છોડી દીધી હતી.
શૈલેન્દ્ર ઉર્ફે દિપક અગાઉ ક્રુણાલભાઇ રાજેન્દ્રભાઇ મીશ્રા અને સંદીપભાઇ ત્રીલોકનાથ મીશ્રાની ભાગીદારી પેઢી આર્યન ટ્રેડર્સમાં નોકરી કરતો હતો ત્યારે પણ પાર્ટીઓ પાસેથી ઉઘરાણીના પૈસા તેમજ ઉપાડના પૈસા મળી કુલ રૂ.1,17,200 મેળવી જમા કરાવ્યા નહોતા.બંને પાસેથી કુલ રૂ.5,99,355 મેળવી પર્ણ નહીં કરનાર શૈલેન્દ્ર ઉર્ફે દિપક પાસે ભાવિનભાઈએ પૈસાની માંગણી કરતા તેણે ધમકી આપી હતી કે કોઇ રૂપીયા આપવાના થતા નથી અને આજપછી મારી પાસે રૂપીયા માંગાવા આવ્યા કે ફોન કર્યો તો જીવતા નહી છોડુ. આથી ભાવિનભાઈએ છેવટે તેના વિરુદ્ધ ગત બુધવારે ઉધના પોલીસ મથકમાં ઉચાપતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગતરોજ તેની ધરપકડ કરી હતી.