સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પાન માવાની પિચકારીના કારણે ગંદકી દૂર રાખવાનો પ્રયાસ
- સ્મીમેર હોસ્પિટલમાંથી 40 કિલો બીડી-સિગારેટ અને ગુટખા જપ્ત કરવામાં આવ્યા
- સ્મીમેર હોસ્પિટલમાં રોજની દસથી પંદર હજાર લોકોની અવર જવર : મુલાકાતીઓ માટે ગુટખા-બીડી સિગારેટ પર પ્રતિબંધ નો અમલ
સુરત,તા.27 જાન્યુઆરી 2023,શુક્રવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગુટખા અને પાન બીડીનું દુષણ દુર થાય તે માટે રોજના દસથી પંદર હજાર લોકોને ગેટ પર ચકાસણી કરવામાં આવે છે. સ્મીમેર હોસ્પિટલમાં પાન માવાની પિચકારીના કારણે ગંદકી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં 40 કિલો બીડી-સિગારેટ અને ગુટખા જપ્ત કરવામાં આવ્યો હતો.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજની દસથી પંદર હજાર લોકોની અવરજવર થાય છે. આ લોકો હોસ્પિટલમાં બીડી-સિગારેટ કે ગુટખા અને માવો લઈ પ્રવેશ કરે અને પિચકારી મારે કે ધુમ્રપાન કરે તેને અટકાવવા માટે પાલિકા તંત્ર દ્વારા હોસ્પીટલના ગેટ પર સિક્યુરીટી મુકવામા આવેછે.
મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં જુદા-જુદા વિભાગોની મુલાકાત દરમિયાન નિયમિત ધોરણે સાફ સફાઈ થતી ન હોય તેમજ જયાં સાફ સફાઈ થતી હોય ત્યાં પાનની પિચકારી, પાન મસાલાના પડીકા વિગેરે જેવો કચરો જોવા મળતા, ખાસ સાફ-સફાઈ ઝુંબેશના ભાગરૂપે હોસ્પિટલના તમામ મુખ્ય ગેટ પર માર્શલ અને સિક્યુરીટી ગાર્ડ મારફત અંદાજીત કુલ ૩,૦૦,૦૦૦ નાગરિકોનું ચેકીંગ કરવામાં આવેલ. ઉપરોકત રેગ્યુલર ચેકીંગ દરમ્યાન અંદાજીત કુલ ૪૦ કિ.ગ્રા. જેટલો બીડી, સિગારેટ, પાન મસાલા અને ગુટખાનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને જેનો નાશ કરવામાં આવશે તેમજ ભવિષ્યમાં પણ આ પ્રમાણે ડ્રાઈવ ચાલુ રહેશ તેવી ચીમકી આપવામાં આવી છે.