ભારત-કેનેડાના વણસતા સંબંધોની વાતો વચ્ચે કેનેડામાં શ્રધ્ધાપૂર્વક ગણેશોત્સવનો પ્રારંભ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
ભારત-કેનેડાના વણસતા સંબંધોની વાતો વચ્ચે કેનેડામાં શ્રધ્ધાપૂર્વક ગણેશોત્સવનો પ્રારંભ 1 - image


- બાપા વિઘ્ન હરી લેશે અને પહેલા જેવી સ્થિતિ થાય તેવી દુંદાળા દેવને પ્રાર્થના 

- બ્રેમ્પ્ટનમાં પહેલીવાર 16 ફૂટની શ્રીજીની પ્રતિમાની સ્થાપના થઈ : ટોરેન્ટો નજીકના શહેરોમાં 1500થી વધુ પ્રતિમાની સ્થાપના થઈ, કેનેડામા પણ ઘરેજ વિસર્જનનો ટ્રેન્ડ શરુ થયો 

સુરત,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધમાં કડવાહટ આવી રહી છે અને બન્ને દેશો વચ્ચે સંબંધો વણસી રહ્યાં છે તેવી વાતો વચ્ચે કેનેડામાં વસતા ભારતીયોએ શ્રદ્ધા પૂર્વક ગણેશજીની સ્થાપના કરી છે. બાપા બધા વિઘ્ન હરી લેશે અને થોડા સમયમાં બધું નોર્મલ થઈ જશે તેવી દુંદાળા દેવને પ્રાર્થના કરીને કેનેડામાં વસતા ભારતીયઓએ ગણેશોત્સવનો પ્રારંભ કર્યો છે.  

બ્રેમ્પ્ટનમાં પહેલીવાર 16 ફૂટની શ્રીજીની પ્રતિમાની સ્થાપના થઈ છે. આ ઉપરાંત ટોરેન્ટો નજીકના શહેરોમાં 1500થી વધુ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. અહીના ગણેશજીના ભક્તો બન્ને દેશો વચ્ચેના વિધ્ને વિધ્નહર્તા હરી લે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

ભારત-કેનેડાના વણસતા સંબંધોની વાતો વચ્ચે કેનેડામાં શ્રધ્ધાપૂર્વક ગણેશોત્સવનો પ્રારંભ 2 - image

સુરત સહિત સમગ્ર વિશ્વમાં મંગળવારથી ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. ગણેત્સોવ દરમિયાન જ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખારાશ આવી અને બંને દેશોએ એમ્બેસેડરને પાછા બોલાવી દીધા બાદ સ્થિતિ વણસી રહી હોય તેવો માહોલ ઉભો થયો છે. આવા માહોલ વચ્ચે કેનેડામાં ગણેશોત્સવનો શ્રધ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. કેનેડાના સ્ટોફવીલમાં સ્મુથાયી થયેલા અને મુળ બિલ્લીમોરાના રાજીવ મહેતા કહે છે, બન્ને દેશો વચ્ચે સંબંધોમાં થોડી સમસ્યા થઈ છે પરંતુ અમે અહીં દુંદાળા દેવની સ્થાપના કરી અને તેમને આ વિધ્નો દુર કરવા માટે પ્રાર્થના કરીએ છીએ અને અમને બાપ્પા પર શ્રધ્ધા છે કે તેમની કૃપાથી બંને દેશો વચ્ચેની કડવાટ દુર થઈ જશે અને સંબંધ ફરીથી મધુર થઈ શકે.

હિરલ મહેતા કહે છે, અમારે ત્યાં બ્રેમ્પ્ટન પહેલી વાર 16 ફૂટની શ્રીજીની પ્રતિમા ની સ્થાપના થઈ છે અને અઙી વસતા ભારતીયો દર્શન કરવા માટે ઉમટી પડે છે.

ટોરેન્ટો નજીક રહેતા અંકિત પટેલ જણાવે છે, ટોરેન્ટો માર્ખમ, બ્રેમ્પ્ટન, મીસીસોગા, સ્ટોવેલ, મિલ્ટન વિગેરે શહેરોમાં રહેતા ભારતીયો દોઢ દિવસ, અઢી દિવસ પાંચ દિવસ અને દસ દિવસના ગણેશજીની સ્થાપના કરે છે,

આ વર્ષે કેનેડામાં શ્રીજીની સ્થાપના મોટા પ્રમાણમાં થઈ છે જેના કારણે ઇન્ડિયન સ્ટોરમાં મળતી શ્રીજીની પ્રતિમા બુકીંગ કરાવવી પડે છે અને આ શહેરોમાં 1500થી વધુ પ્રતિમાની સ્થાપના થઈ છે. આમ તો દરિયાના કેટલાક ભાગમાં વિસર્જનની છૂટ આપવામા આવે છે તો ઘણાં લોકો દરિયામાં વિસર્જન કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી ઇકોફ્રેન્ડલી પ્રતિમા ઘર આંગણે ટબમાં કે ઘરની આગળ ખાડો ખોદી તેમાં પાણી સાથે ગંગાજળ ઉમેરીને વિસર્જન કરવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે.

મિલન પ્રજાપતિ અને હર્ષ કાપડીયા કહે છે જે રીતે ભારતમાં બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવે છે તેવી જ રીતે અહી પણ અને અભ્યાસ કે નોકરી માટે આવેલા સિંગલ હોય તે પણ ઘરે બાપ્પાનો થાળ બનાવીને બાપાને ધરાવવામાં આવે છે. 

કેનેડામાં વસતા ભારતીયો બન્ને દેશના સંબંધ સુધરે તેવી પ્રાર્થના કરે છે તો બીજી તરફ અભ્યાસ માટે કેનેડા ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓ ભારતમાં ચિંતામાં છે તેઓ પણ અહીં શ્રીજીની ભક્તિ કરીને પોતાના બાળકો હેમખેમ રહે અને બાપ્પા વિઘ્નો દુર કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.   

આમ ભારત અને કેનેડા બે દેશોમાં વસતા ભારતીયો  બન્ને દેશો વચ્ચેના સંબંધો સુધરે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.


Google NewsGoogle News