સુરતમાં ઘારી માટે મીઠાઈ વિક્રેતાની બોલબાલા વચ્ચે કેટલીક મંડળી અને સામાજિક સંસ્થાઓએ ઘારીના ધંધામાં ઝંપલાવ્યું

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
સુરતમાં ઘારી માટે મીઠાઈ વિક્રેતાની બોલબાલા વચ્ચે  કેટલીક મંડળી અને સામાજિક સંસ્થાઓએ ઘારીના ધંધામાં ઝંપલાવ્યું 1 - image


- કંદોઈને બોલાવી સામૂહિક રીતે અનેક સમાજના લોકો ઘારી બનાવતા થયા, સામૂહિક ઘારી બનવા છતાં મીઠાઈની દુકાનોમાં ભીડ યથાવત

સુરત,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

સુરતીઓનો પોતીકો ગણાતો તહેવાર એવા ચંદની પડવામાં સુરતમાં કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થાય છે. સુરતમાં પહેલા ઘરગથ્થુ કે મીઠાઈની દુકાનમાં જ ઘારી વેચાતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગાડીના આ ધંધામાં સામાજિક સંસ્થા, કેટલાક સમાજ સાથે હવે સહકારી મંડળીઓએ પણ ઝંપલાવ્યું છે. સુરતમાં અનેક લોકો ઘારી બનાવતા હોવા છતાં ચંદની પડવાના તહેવારમાં મીઠાઈની દુકાન ઉપર ગ્રાહકોની ભીડ યથાવત જોવા મળી રહે છે.

તહેવારની ઉજવણીમાં અવ્વલ એવા સુરતમાં દરેક તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે. એમાં પણ ચંદની પડવાનો તહેવાર સુરતનો પોતાનો તહેવાર છે. સુરત શિવાય ભાગ્ય જ કોઈ શહેરમાં ચંદની પડવાની ઉજવણી આવી ભવ્ય રીતે થતી હોય છે. આ દિવસે સુરતીઓ ઘી થી ભરેલી ઘારી સાથે ભુસા અને ભજીયાને ટેસથી આરોગે છે. આ દિવસોમાં ઘારીનું ધૂમ વેચાણ થતું હોવાથી મીઠાઈની દુકાન સાથે હવે કેટલાક સમાજ ભેગા થઈને ઘારી બનાવતા થયા છે. આ ઉપરાંત કેટલીક સહકારી મંડળીઓએ પણ ઘારીના ધંધામાં હાથ અજમાવ્યો છે. સહકારી મંડળીના સભાસદોને મંડળી પર વિશ્વાસ હોવાથી તેઓ મંડળીમાં બનેલી ઘારી ખરીદવાનો આગ્રહ રાખે છે. જેના કારણે સહકારી મંડળીઓનું વેચાણ પહેલેથી જ નક્કી થઈ જતું હોય છે. સહકારી મંડળીમાં ઘારી બનાવનારા મંડળીના પ્રમુખ સુરેશ પટેલ કહે છે, મંડળીના સભાસદો પહેલાથી જ ઘારીનો ઓર્ડર કરી દેતા હોય છે તેના કારણે અમને પહેલાથી કેટલી ઘારી કંદોઈ પાસે ઘારી બનાવવા માટેની ખબર પડી જાય છે. કંદોઈને ઘારીની સામગ્રી અમારા દ્વારા આપી દેવામાં આવે છે એટલે ભેળસેળ થતી નથી અમે માત્ર ઘારી બનાવવાની મજુરી આપી અમારા સભાસદો માટે ઘારી ભેળસેળ વગરની અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે આપી શકીએ છીએ. 

આવી જ રીતે કેટલાક સમાજના લોકો ભેગા થાય છે અને ચંદની પડવા પહેલા કંદોઈને રાખીને મોટી માત્રામાં ઘારી બનાવે છે. સમાજના લોકો સમાજ પાસેથી જ ઘારી ખરીદવાનો આગ્રહ રાખે છે એના કારણે સમાજના સંગઠનને પણ સારો એવો નફો થાય છે. સમુહમાં ધારી બનાવતા શ્રી નવસારી મોઢ ગાંધી યુવક મંડળના નિતીન ગાંધી કહે છે, અમે દર વર્ષે એક હજાર કિલો કરતાં વધુ ઘારી બનાવીએ છીએ. અમારો હેતુ એ છે કે અમે અમારી નજર સમક્ષ ઘારી બનાવડાવીએ છીએ. અને ઘારીનાં વેચાણમાં જે નફો થાય છે તે નફો અમારા સમાજના શૈક્ષણિક અને મેડિકલ માટે ઉપયોગ કરીએ છીએ. સમાજના જે લોકો ઘારી માટે ભેગા થાય છે તે લોકો પોતાના માટે નહીં પરંતુ અમારા સમાજના લોકો અને અન્યોને શુદ્ધ અને સાત્વિક ધારી ખવડાવી શકીએ તે અમારો હેતુ છે. અમારી ઘારીની ક્વોલિટીના કારણે સમાજના લોકો અમેરિકા પણ ઘારી મંગાવે છે અને 50 કિલોથી વધુ ઘારી અમે અમેરિકા મોકલીએ છીએ. 

મૂળ સુરતીઓ ઘરે ઘરે ઘારી બનાવે છે, આ ઉપરાંત સામાજિક સંગઠનો અને સહકારી મંડળીઓ પણ મોટી માત્રામાં ઘારી બનાવે છે. તેમ છતાં સુરતની મીઠાઈની દુકાનો પર ચંદની પડવામાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળે છે જ્યારે કેટલીક દુકાનો પર તો આ દિવસે ઘારી ખરીદવા માટે લાઈન જોવા મળે છે. સુરતીઓની તહેવારની ભવ્ય ઉજવણીના કારણે મીઠાઈના વેપારીઓ સાથે સાથે સહકારી મંડળી અને સામાજિક સંગઠનોને પણ સારી આવક ઊભી થાય છે.


Google NewsGoogle News