સુરતના ચૌટા બજારમાં માથાભારે તત્વોના દબાણમાં ફરી એક વખત એમ્બ્યુલન્સ ફસાઈ, બહાર કાઢતા ડ્રાઈવરને પરસેવો પડ્યો
- દબાણ દુર કરવા માટે પાલિકાની શાહમૃગ નીતિ કોઈનો જીવ લેશે
- શહેરના કેટલાક રૂટ પર કડકાઈથી દબાણ દુર કરતી પાલિકા ચૌટાબજારના દબાણ દુર કરવામાં લાચાર : માથાભારે તત્વોની દાદાગીરી સામે પાલિકા તંત્ર ઘુંટણીએ
સુરત,તા.25 ડિસેમ્બર 2023,સોમવાર
સુરત મહાનગરપાલિકાની દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજાર વિસ્તારમાં દબાણ દુર કરવા માટે શાહમૃગ નીતિના કારણે કોઈનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ રહી છે. આજે ફરી એક વાર ચૌટા બજારમાં માથાભારે તત્વોના દબાણમાં ફરી એક વખત એમ્બ્યુલન્સ ફસાઈ, બહાર કાઢતા ડ્રાઈવરને પરસેવો પડ્યો હતો. શહેરના કેટલાક રૂટ પર કડકાઈથી દબાણ દુર કરતા પાલિકા ચૌટાબજારના દબાણ દુર કરવામાં લાચાર બની જતા સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે. આવી સ્થિતિ છતાં પાલિકા તંત્ર ચૌટા બજારમાંથી કામયી ધોરણે દબાણ દુર કરવાની હિંમત કરી શકતું નથી.
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભારે તત્વોના દબાણના કારણે દિવસેને દિવસે સ્થિતિ કફોડી થઈ રહી છે. ચોટા બજાર વિસ્તારમાં ભારે દબાણના કારણે સ્થાનિકોને પોતાના વાહનો ઘર સુધી લઈ જવા ભારે મુશ્કેલી પડી રહી છે. લોકોની અનેક ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર ચૌટાબજારના દબાણ દુર કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. જેના કારણે દબાણ દિવસેને દિવસે વધી રહ્યાં છે.
સુરત પાલિકાના ચૌટા બજારમાં દબાણના કારણે સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી થઈ જાય છે પરંતુ આજે આ માથાભારે તત્વોના દબાણ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. ચૌટા બજાર વિસ્તારમાંથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ નિકળી હતી પરંતુ દબાણના કારણે એમ્બ્યુલન્સ આગળ વધી શકતી ન હતી. એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા સતત સાયરન વગાડવામાં આવતી હતી પરંતુ માથા ભારે દબાણ કરનારાઓ દબાણ ખસેડતા ન હતા. જોકે, કેટલાક લોકોએ દરમિયાનગીરી કરતાં માંડ માંડ એમ્યુલન્સ બહાર નીકળી શકી હતી.
પાલિકા તંત્ર પોલીસની આવી ગંભીર બેદરકારીના કારણે ફરી એક વખત દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ ચૌટાબજારના ગેરકાયદે દબાણના જંગલમાં ફસાઈ ગઈ હતી. જો પાલિકા તંત્ર આવી જ રીતે દબાણ કરનારાઓને ઘુંટણીયે પડતી રહેશે તો ચૌટાબજારના ગેરકાયદે દબાણના જંગલમાં કોઈનો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.