15 એપ્રિલથી જંત્રીના ભાવ બમણા થાય તે પહેલાં પાલિકાના શહેરી વિકાસ વિભાગમાં ધમધમાટ
છેલ્લા એક મહિનામાં વિકાસ પરવાનગીની 200થી વધુ ફાઈલ મંજુર: પાલિકાને એક જ દિવસમાં 110 કરોડની પેઈડ એફ.એસ.આઈ.ની આવક
એક જ દિવસમાં 45 મીટરથી વધુ ઉંચાઇ ધરાવતા પાંચ પ્રોજેકટો મંજુર થયા
સુરત, તા. 14 એપ્રિલ 2023 શુક્રવાર
જંત્રીના ભાવ બમણા થઈ જવાના છેલ્લા દિવસે સુરત પાલિકાના શહેરી વિકાસ વિભાગમાં બિલ્ડીંગની ફાઈલ પાસ કરાવવા માટે બિલ્ડરોની લાઈન લાગી હતી. એક જ દિવસમાં 45 મીટરથી વધુ ઉંચાઇ ધરાવતા પાંચ પ્રોજેકટો મંજુર કરવામા આવ્યા છે. આ ઉપરાંત પાલિકાની તિજોરીમાં એક જ દિવસમાં 110 કરોડની પેઈડ એફ.એસ.આઈ.ની આવક જમા થઈ ગઈ છે. છેલ્લા એક મહિનામાં વિકાસ પરવાનગીની 200થી વધુ ફાઈલ મંજુર કરવામાં આવી છે.
સુરત પાલિકામાં છેલ્લા એક જ મહિનામાં નાની મોટી 200થી વધુ ફાઈલ મંજુર કરવા સાથે એક નવો જ રેકર્ડ થયો છે. સુરત પાલિકાના સેન્ટ્રલ ટીડીઓ વિભાગ દ્વારા ફાઈલ મંજુર કરાવવા માટે છેલ્લા દિવસોમાં લાઇન લાગે તેવી સ્થિતિ થવાની છે તે વાત ધ્યાને રાખી અગાઉથી જ મનપા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા પ્લાન પાસ માટે ગોઠવેલી સિસ્ટમ નો ચુસ્ત અમલ કર્યો હતો અને સરળતાથી કાર્યવાહી થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી. જેના કારણે અન્ય મહાનગરપાલિકા કરતાં સુરત પાલિકામાં સરળતાથી કામગીરી થઈ હતી.
પાલિકાની આ કામગીરીને પગલે કારણે બિલ્ડરોને બમણા દરની જંત્રી ના ભાવે પેઇડ એફએસઆઇ નો ચાર્જ ચૂકવવો માંથી મુક્તિ મળી છે. પાલિકા કમિશનરની મંજૂરીથી સેન્ટ્રલ ટીડીઓનો એકાઉન્ટ વિભાગ રાત્રે 12 વાગ્યા સુધી સ્પેશિયલ કેસમાં કાર્યરત જોવા મળ્યો હતો. આ કામગીરી સાથે સાથે આજે ૪૫ મીટરથી ઊંચી વધુ પાંચ પ્રોજેક્ટોની ફાઇલોને પાલિકા કમિશનરે ટેક્નિકલ રીવ્યુ કમિટીની બેઠક બાદ મંજૂરી આપી છે.