Get The App

સુરત પાલિકાની જર્જરિત મિલકત સામે આક્રમક કામગીરી : નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની નોટિસ બાદ મિલકતદારો દોડતા થયા

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાની જર્જરિત મિલકત સામે આક્રમક કામગીરી : નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની નોટિસ બાદ મિલકતદારો દોડતા થયા 1 - image


Surat Corporation News : સુરત પાલિકા કમિશનરે હાલમાં જ શહેરની જર્જરિત મિલકતોની રિવ્યુ બેઠક કરી હતી જેમાં શહેરમાં હજી પણ 242 મિલકત ઉતારી પાડવી પડે તેવી હોવાનું બહાર આવ્યું હતું. જર્જરિત મિલકત જો મિલકતદારો ઉતારે નહી તો પાલિકાએ આવી મિલ્કતોના નળ જોડાણ અને ડ્રેનેજ જોડાણ કાપવા માટેના આદેશ કર્યા છે. પાલિકાના આદેશ બાદ તમામ ઝોન દ્વારા જર્જરિત મિલકત પર જાહેર નોટિસ લગાડીને બિલ્ડીંગ ઉતારવાની તથા નળ અને ડ્રેનેજ જોડાણ કાપવા માટેની કામગીરી શરૂ કરી છે. સુરત પાલિકાએ જર્જરિત ઇમારતના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની નોટિસ આપતા મિલકતદારો દોડતા થયા છે. જોકે, હાલમાં રીપેરીંગ ન થઈ શકે તો તાત્કાલિક વસવાટ ખાલી કરવા માટે સુચના આપવામા આવી રહી છે. 

રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ સુરત પાલિકા દ્વારા શહેરની મિલકતોમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમીશનની ચકાસણી શરૂ કરી છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની છે તેમાં શહેરમાં જર્જરિત મિલકતોમાં અકસ્માત થાય તેવી શક્યતાને જોતા મ્યુનિ. કમિશ્નરે જર્જરિત બિલ્ડીંગ અને શુક્રવારે રિવ્યુ બેઠક કરી હતી. આ બેઠકમાં સૌથી વધુ જર્જરિત મિલકત પાલિકાના ઉધના બી ઝોન કનકપુર કનસાડ ઝોનમાં 171 હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે વરાછા એ અને વરાછા બી ઝોનમાં એક પણ જર્જરિત મિલ્કત ન હોવાનું બહાર આવ્યું છે. 

આ બેઠક દરમિયાન જ મ્યુનિ. કમિશનરે જર્જરિત મિલકતમાં રહેતા મિલકતદારો કે કબજેદારો મિલકત રીપેર નહી કરાવે તો તાત્કાલિક નળ અને ડ્રેનેજ જોડાણ કાપવા માટે સુચના આપી હતી. આ સુચનાને પગલે તમામ ઝોન દ્વારા બિસ્માર મિલકત સામે કડક કાર્યવાહી શરુ કરી છે. પાલિકાના ઝોન દ્વારા બેનર તૈયાર કરવામા આવ્યા છે તેમાં મિલકત જર્જરિત હોવાના કારણે વસવાટ કરવા લાયક નથી તેવું જણાવ્યું છે. વધુમાં જણાવ્યું છે કે, આ મિલકતમાં રહેનારા તથા  પસાર થનારા રાહદારીઓ માટે પણ જોખમી છે તેવી નોટિસ બાદ પણ મિલ્કતનો વપરાશ બંધ ન કરાતા પાલિકા દ્વારા મિલકત ઉતારી પાડવાની કામગીરી કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામા આવ્યો છે.  સાથે સાથે મિલ્કતનો તાકીદે વપરાશ બંધ કરવા માટે પણ સુચના આપવામા આવી છે. પાલિકાની આ સુચનાને પગલે બિસ્માર મિલકતમાં રહેતા મિલકતદારો દોડતા થયા છે અને તાકિદે વપરાશ બંધ કરીને સ્ટ્રકચર સ્ટેબિલીટી કામગીરી માટે કવાયત શરૂ કરી છે.


Google NewsGoogle News