સુરત પાલિકામાં ચમત્કાર વિના નમસ્કાર નથી તેવો ઘાટ : એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની સુચના આપતા 51 સ્વીંગ ગેટ એક્ટિવ થઈ ગયા
- બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોને અટકાવવા 2018માં 4.42 કરોડના ખર્ચે બનાવેલા સ્વિંગ ગેટ બંધ થઈ જતાં અકસ્માત વધ્યા હતા
સુરત,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર
સુરત મહાનગરપાલિકામાં સ્વીંગ ગેટની કામગીરીમાં સદંતર નિષ્ફળ નિવડેલા ઈજારદારને બ્લેક લિસ્ટ કરવાની સુચના આપતા માત્ર 25 દિવસમાં 51 સ્વીંગ ગેટ શરૂ થઈ ગયા છે. પાલિકા દ્વારા અનેક વખત એજન્સીને પત્ર લખવા છતાં કામગીરી થતી ન હતી પરંતુ સ્થાયી અધ્યક્ષે કામગીરીમાં નિષ્ફળ ગયેલી એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટે વિભાગને સૂચના આપતા સુરત શહેરના બીઆરટીએસ રૂટ 51 સ્વીંગ ગેટ અચાનક જ એક્ટિવ થતા સુરત પાલિકામાં પાલિકામાં ચમત્કાર વિના નમસ્કાર નથી તેવો ઘાટ હોવાની ચર્ચા થઈ રહી છે.
સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ રુટને વધુ સુદઢ બનાવવા તથા ખાનગી વાહનો બીઆરટીએસ રૂટમાં ન જાય તે માટે 2018માં બસ સ્ટેન્ડ નજીક સ્વિંગ ગેટ મુકવામાં આવ્યા હતા. આ માટે પાલિકાએ ટેક્નો કેફ સિક્યુરિટી સિસ્ટમ પ્રા. લી. ને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ત્રણ તબક્કામાં કુલ 4.42 કરોડના ખર્ચે 322 સ્વીંગ ગેટો અને આ સ્વીંગ ગેટોના ઓપરેશન મેઇન્ટેનન્સ માટે 1 કરોડથી વધુના ખર્ચે કોન્ટ્રાક્ટ અપાયા હતા. જોકે, એજન્સી દ્વારા વિવિધ રૂટો પર 276 સ્વીંગ ગેટો ફીટ કર્યા હતા, પરંતુ આ સ્વીંગ ગેટના ઓપરેશન મેન્ટેનન્સમાં સદંતર લાપરવાહીને પગલે હાલ એક પણ સ્વીંગ ગેટ કાર્યરત નથી. સ્વીંગ ગેટ સક્રિય ન હોવાથી ખાનગી વાહનો બેરોકટોક બીઆરટીએસ પસાર થતા અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે.
આ અંગેની અનેક ફરિયાદ બાદ પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે સ્વિંગ ગેટ ચાલતા ન હોવાથી બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો દોડી રહ્યા છે મોટાભાગના અકસ્માતમાં આવી રીતે દોડતાં વાહનો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે કામગીરીમાં બેદરકારી દાખવનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટેની સુચના આપી હતી. સ્થાયી અધ્યક્ષે 21 સપ્ટેમ્બરના રોજ સૂચના આપ્યા બાદ આજ સુધીમાં 51 સ્વીંગ ગેટ અચાનક જ એક્ટિવ થઈ ગયા છે. ત્યાર બાદ હવે તબક્કાવાર અન્ય સ્વીંગ ગેટ એક્ટિવ કરવા માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે.