સ્માર્ટ સિટી સુરતમાં શ્વાનના આતંકવાદ હવે ડુક્કરનો આતંક, નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડુક્કરોનું સામ્રાજ્ય
Surat Civil Hospital News : સ્માર્ટ સિટી સુરતમાં શ્વાનના આતંકવાદ હવે ડુક્કરનો આતંક જોવા મળે તો નવાઈ નહીં. કારણકે સુરત શહેરમાં ડુક્કરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ અંદર ડુક્કરોનું ટોળું દેખાયું હતું. ત્યારબાદ હવે સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ ડુક્કરોના ટોળા દેખાઈ રહ્યા છે. તો આ ટોળામાં ઘણા માદા ડુક્કરો બચ્ચા આપે તેવી પરિસ્થિતિમાં પણ જોવા મળી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોના નિવાસસ્થાનની આસપાસ ડુક્કરોના ટોળા દેખાઈ રહ્યા છે. જેના કારણે આસપાસ ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાયું છે.
કુતરાઓ બાદ હવે ડુક્કરોનો ત્રાસ શહેરમાં જોવા મળી રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરોના કેમ્પસની આજુબાજુ અને કેમ્પસમાં મોટા પ્રમાણમાં ડુક્કરોના ઝુંડ જોવા મળી રહ્યા છે. હાલ આ ડુક્કરોની સંખ્યા 70 થી વધુ છે. આ સાથે જ અહીં કેમ્પસમાં મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું. રેસીડેન્ટ ડોક્ટરના કેમ્પસની આજુબાજુ ઊગી નીકળેલા ઝાડી ઝાખરાઓના કારણે અહીં ડુક્કરોનું રહેઠાણ બની ગયું છે. સિવિલના એક ડોક્ટરે કહ્યું કે છેલ્લા કેટલા સમયથી અહીં ડુક્કરોનો ત્રાસ વધી ગયો છે. અહીં અમે કેટલા સમયથી રહીએ છીએ પરંતુ ડુક્કરોના કારણે ઘરના આંગણે અમે કંઈક વૃક્ષો કે શાકભાજી પણ ઉઘાડી શકતા નથી, કારણ કે કેમ્પસમાં ગમે ત્યારે ડુક્કરો આંટાફેરા મારતા હોય છે અને ગંદકી કરતા હોય છે અને અહીં જે પણ વસ્તુઓ ઉગાડેલી હોય છે તે વેરવિખેર કરી નાખતા હોય છે. આજુબાજુ ડૂક્કરોએ પાણીમાં આળોટીને એટલી બધી ગંદકી કરી છે કે અહીં ગંદકીનું પૂરું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે અને તેમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. કેમ્પસની આજુબાજુ એટલા બધા ઝાડી ઝાખરા છે કે જેના કારણે અહીં મોટા પ્રમાણમાં ડુક્કરોનું આશ્રય સ્થાન બની ગયું છે. આમાં કેટલીક માદા ડુક્કરો ગર્ભવતી પણ છે અને જે આગામી દિવસોમાં બાળકોને જન્મ આપશે એટલે કે અઠવાડિયાની અંદર જ પચાસથી વધુ ડુક્કરોની સંખ્યા અહીં વધી જશે.
નવી સિવિલ હોસ્પિટલમાં રેસીડન્ટ ડોક્ટરની કેમ્પસની આજુબાજુ વધી રહેલા ડુક્કરોના સામ્રાજ્યને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં ડોક્ટરોએ પણ સાવધાન રહેવું પડશે. દિવસે દિવસે વધી રહેલી સંખ્યાના કારણે માત્ર ડુક્કરોનો જ ત્રાસ નહિ પરંતુ ગંદકીના કારણે મચ્છરોનો પણ ત્રાસ વધ્યો છે. જેના કારણે ત્યાં રહેતા ડોકટરો હેરાન પરેશાન થઈ ગયા છે.