નવરાત્રી પહેલા ભાજપ શાસકોના મનમાં રામ વસ્યા : સુરત પાલિકાની આમંત્રણ પત્રિકામાં એક દસકા બાદ વિપક્ષના નેતાના નામની એન્ટ્રી થઈ
- પાલિકાના ફૂડ ફેસ્ટીવલના આમંત્રણ પત્રિકામાં વિપક્ષના નેતા સાથે દંડકના નામનો પણ ઉલ્લેખ કરાયો
સુરત,તા.16 ઓક્ટોબર 2023,સોમવાર
ગઈકાલથી શરુ થયેલી નવરાત્રી પહેલા જ ભાજપ શાસકો ના મનમાં રામ વસી ગયા છે જેના કારણે એક દસકાથી પાલિકાના આમંત્રણ પત્રિકામાં વિપક્ષના નેતાના નામની બાદબાકી થતી હતી તેના બદલે સરવાળો કરીને ફૂડ ફેસ્ટીવલની આમંત્રણ પત્રિકામાં વિપક્ષી નેતા સાથે સાથે વિપક્ષના દંડકના નામ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી પાલિકાના વિવિધ કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાં શાસક પક્ષ સાથે સાથે વિપક્ષના નેતા ના નામનો ઉલ્લેખ કરવામા આવતો હતો.
પરંતુ એક દસકા પહેલા પાલિકાની સ્થાયી સમિતિમાંથી વિપક્ષના સભ્યોનો એકડો કાઢી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આઠેક વર્ષથી પાલિકાના વિવિધ કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાં વિપક્ષના નામ કાઢી નાખવામા આવ્યા હતા. આ પહેલાં કોંગ્રેસ વિપક્ષમાં હતી ત્યારે પણ અનેક વખત આમંત્રણ પત્રિકામાં વિપક્ષના નામ અંગેની માગણી કરવામાં આવતી હતી.
અઢી વર્ષથી પાલિકાના વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવી છે ત્યારથી પણ વિપક્ષ દ્વારા પણ પાલિકાના આમંત્રણ આપવા તથા નામ લખવા માટે માગણી કરવામાં આવતી હતી પરંતુ સ્વીકારવામાં આવતી ન હતી. જોકે, હાલમાં નવા પદાધિકારીઓની નિમણુંક બાદ નવરાત્રીનો ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂડ ફેસ્ટિવલ ની આમંત્રણ પત્રિકામાં એક દસકા બાદ વિપક્ષી નેતા સાથે સાથે વિપક્ષના દંડકનું પણ નામનો ઉલ્લેખ કરવામા આવ્યો છે જે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.