સુરતમાં 71 દિવસ બાદ મહા દિવાળીનો માહોલ : ઘરે-ઘરે સાથીયા પુરાયા, કંસાર પણ બનાવાયા
- પાલનપોર હોય કે પાંડેસરા, કોસાડ હોય કે કારગીલ ચોક કે પછી રુસ્તમપુરા હોય કે સગરામપુરા દરેક જગ્યાએ જય શ્રી રામ જય શ્રી રામ
- આજે જે માહોલ છે તે જોતાં આસો માસની દિવાળી નાની હોય તેવું લાગે છે : ઠેર ઠેર પ્રભાતફેરી, મહા આરતી, મહા પ્રસાદનું આયોજન : લોકો તમામ ભેદભાવ ભુલી ઉજવી રહ્યા છે રામોત્સવ
- લાખો સુરતીઓએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાઈવ નિહાળ્યો પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્તમાં મિનિટો સુધી ફટાકડા ફુટ્યા : લાઈવમા દર્શન કરીને લોકોએ રામ લલ્લાના વધામણા કર્યા
સુરત,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર
હિન્દુ કેલેન્ડર પ્રમાણે દિવાળી આસો માસમાં ઉજવવામાં આવી હતી પરંતુ આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતની મોટા ભાગની રહેણાંક સોસાયટીઓમાં પોષ માસમાં મહા દિવાળી હોય તેવો માહોલ ઉભો થયો છે. સુરતની વિવિધ શેરીઓ, ગલીઓ, એપાર્ટમેન્ટ અને રહેણાંક સોસાયટીઓમાં મોટી દિવાળીની ઉજવણી થઈ રહી છે. કોટ વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં ગઈકાલે રાત્રીથી જ રંગોળી બનાવવામાં આવી હતી. આજે સુરતીઓ તમામ ભેદભાવ ભૂલીને રમતોત્સવની ઉજવણી કરી રહ્યાં છે. આજે દિવસ દરમિયાન પાલનપોર હોય કે પાંડેસરા, કોસાડ હોય કે કારગીલ ચોક કે પછી રુસ્તમ પુરા હોય કે સગરામ પુરા શહેરના અનેક વિસ્તારમાં દરેક જગ્યાએ જય શ્રી રામ જય શ્રી રામના નારા સાંભળવા મળ્યા હતા.
ભગવાન રામ પોતાના સ્વગૃહે 500 વર્ષ બાદ ફરી રહ્યાં છે ત્યારે સુરતીઓમાં અને ઉત્સાહનો સંચાર થયો હોવાનું જોવા મળે છે. સામાન્ય રીતે દિવાળીની રાત્રીએ ફટાકડા ફૂટતા હોય છે પરંતુ આજે અયોધ્યામાં જે સમયે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી બરાબર તે જ મુર્હુત માં સુરતમાં અનેક જગ્યાએ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
સુરતની અનેક સોસાયટીઓમાં આજે વહેલી સવારથી જ ભગવાન રામને આવકારવા માટે લોકો થનગની રહ્યા હતા. ડીજે અને બેન્ડવાજા ઉપરાંત ઢોલ નગારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સુરતની રહેણાંક સોસાયટીઓમાં તો જાણે આજે દિવાળીની નવા વર્ષની ઉજવણી કરવાની હોય તેમ આગલી રાત્રે જ લોકોએ ભેગા મળીને આખી શેરી, ફળિયા અને કેમ્પસમાં રંગોળી કરી હતી. આ ઉપરાંત આજે જાણે જાહેર રજા હોય તેવી રીતે લોકો ભેગા મળીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
સુરતમાં 72 દિવસ બાદ મહા દિવાળી હોય તેવી રીતે લોકોએ પોતાના ઘરની બહાર લાઇટિંગ કરવા સાથે તોરણ બાંધ્યા હતા. આ ઉપરાંત રંગોળી સાથે સાથે લાપસી- કંસાર બનાવીને અભુતપુર્વ તહેવારની ઉજવણી કરી હતી. આજે સુરતીઓ રામ મય બની ગયા હતા અને દરેકના મોઢા પર જય શ્રી રામના નારા સાંભળવા મળતા હતા. બાળકોથી માંડીને વડીલો સુધી તમામ લોકો હાથમાં ભગવો ઝંડો લઈને પોતે અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ હોય તેવી રીતે પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ જોઈને રામલલ્લના દર્શન કરીને ભાવવિભોર બની ગયા હતા.