સુરત પાલિકાના અડાજણ બસ ડેપોમાં ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની મુલાકાત દરમિયાન ખાનગી બસ દેખાતા સીલ કરી તપાસના આદેશ
Surat News : સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમાં ખાનગી બસનું પાર્કિંગ અને મેઈન્ટેનન્સ થતી હોવાની ફરિયાદ બહાર આવી છે. આ ફરિયાદ બાદ પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે આકસ્મિક મુલાકાત લેતા પાલિકાના ડેપોમાંથી ખાનગી લક્ઝરી બસ મળી આવી હતી. અધ્યક્ષે સમગ્ર ઘટના અંગે તપાસ કરીને સીસીટીવીના આધારે તપાસ કરવા માટે આદેશ આપ્યા છે અને પાલિકાના નિયમોનો ભંગ કરનારી એજન્સી પાસે દંડની કાર્યવાહી સાથે અન્ય કાર્યવાહી કરવા પણ આદેશ અપાયા છે.
સુરતમાં રસ્તા પર દોડતી સીટી અને બીઆરટીએસ બસ ટિકિટ કૌભાંડ અને અકસ્માત માટે વિવાદનું કેન્દ્ર બની રહી હતી. પરંતુ હવે બસ પાર્કિંગ થાય છે તે પાલિકાના બસ ડેપો પણ વિવાદનું કેન્દ્ર બની રહ્યાં છે. પાલિકાના અડાજણ એલ.પી સવાણી સ્કૂલ ખાતે પાલિકાનો બસ ડેપો છે જેમાં ખાનગી લક્ઝરી બસનું પાર્કિંગ થતું હોવા સાથે મેઈન્ટેનન્સ પણ કરાતું હોવાની ફરિયાદ બહાર આવી હતી. આ ફરિયાદ બાદ પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જેમાં પાલિકાના બસ ડેપોમાં ખાનગી બસ મળી આવી હતી. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે ડેપોનો કારભાર સંભળતી એજન્સી પાસે ખુલાસો માગ્યો છે. આ ઉપરાંત આ બસ કેટલા સમયથી પાર્કિંગ કરવામા આવે છે મેન્ટેનન્સની કામગીરી થાય છે કે કેમ? તે જાણવા માટે સીસીટીવી ફુટેજની ચકાસણી કરી એજન્સીને નોટિસ આપવા અને દંડ વસુલવાની કામગીરી કરવા માટે આદેશ આપ્યો છે.