દમણમાં મહિલાના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા
Daman Murder Case : દમણના ડાભેલ ગામે રહેતી મહિલાની વર્ષ 2019માં હત્યા કર્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે રૂ.10 હજારના દંડની જોગવાઇ કરાઇ છે.
કેસની વિગત એવી છે કે દમણના ડાભેલ ગામે રહેતા અશોક સોના યાદવની પત્ની કુસુમ ગત તા.11-01-2019માં નોકરી પર ગઇ હતી. જો કે મોડી સાંજ સુધી કુસુમ પરત નહી આવતા પતિ સહિત સંબંધીઓએ શોધખોળ આદરી હતી. પોલીસને જાણ કરાયા બાદ સઘન શોધખોળ દરમિયાન જમ્પોર ગામે આવેલી વાડીમાંથી કુસુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં પોલીસને મળેલી કડીના આધારે ફળિયામાં જ રહેતા રોહિત નામના શખ્સની પૂછપરછમાં તેણે જુની અદાવતમાં કુસુમને જમ્પોર વાડીમાં લઇ ગયા બાદ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસેથી મૃતકનો મોબાઇલ અને ચપ્પુ મળી આવ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. દમણ જિલ્લા સેશન્સ કોર્ટમાં હાથ ધરેલી સુનાવણીમાં સરકારી વકીલ હરીઓમ ઉપાધ્યાયે 18 સાક્ષીઓની જુબાની અને પુરાવા સાથે કરેલી દલીલોને જજ શ્રીધર ભોંસલેએ ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.