સુરતના માટી મૂર્તિ મેળામાં ગત વર્ષે સ્વાવલંબી મહિલાઓએ એક કરોડની પ્રતિમાનું વેચાણ કર્યું
Surat Ganpati Special : સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરતાં મહિલા કારીગરોને આત્મનિર્ભર કરવા સાથે પર્યાવરણની જાળવણી માટે સરકારે શરૂ કરેલા અભિયાનમાં ગત વર્ષે સુરત શહેરમાં 49 જેટલી સંસ્થાએ એક કરોડથી વધુની શ્રીજીની પ્રતિમાનું વેચાણ કર્યું હતું. આ પહેલા સરકારે રાજ્યના કારીગરો માટીમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા તૈયાર થાય તે માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને રાજ્યના 65 નિષ્ણાંત કારીગરોને ટ્રેનર્સ તાલીમ કારીગરો તૈયાર કર્યા હતા અને માટીની જ પ્રતિમા બનાવવા તથા તેના વેચાણ માટે પણ તાલીમ આપી છ તેના કારણે અનેક મહિલાઓ પગભર થઈ રહી છે.
સુરતમાં 1 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પાલિકાના મલ્ટીપર્પઝ હોલમાં માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આત્મનિર્ભર મહિલાઓ અને તેમના સંગઠનો દ્વારા માટીની પ્રતિમા બનાવી વેચાણ શરૂ કર્યું છે. વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહિત "વોકલ ફોર લોકલ" પહેલની ભાવના કારીગરોના સ્વાવલંબન અને સમુદાય સશક્તિકરણ કરવા માટે સરકારના ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા દ્વારા 2015થી મહિલાઓને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગણેશજીની પ્રતિમા ઈકો ફ્રેન્ડલી બનાવવા સાથે સાથે તેમને પ્રમોશન અને વેચાણ માટેની તક પૂરી પાડવા માટે ખાસ ટ્રેનીંગ આપી હતી.
સુરત સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ગણપતિ ઉત્સવ પહેલા માટી મૂર્તિ મેળાનું આયોજન થાય છે. ગત વર્ષે સુરતમાં આ મેળામાં 40 જેટલી મહિલા સંસ્થા અને 9 જેટલી પ્રતિમા બનાવતી મહિલાઓએ એક કરોડ રૂપિયાથી વધુની શ્રીજીની પ્રતિમાનું વેચાણ કર્યું છે.
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આ યોજના અન્વયે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન 50 ટકા સબસીડીથી કુલ 2369 કારીગરોને 1953 ટન માટીનું વિતરણ કરવામાં આવેલ છે. કારીગરોને પૂરી પાડવામાં આવેલ માટીમાંથી બનાવેલ મૂર્તિનું વેચાણ માટે વેચાણ પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે છેલ્લા 5 વર્ષ દરમ્યાન ગણેશોત્સવ દરમ્યાન વેચાણ મેળાનું આયોજન કરી કુલ 2064 કારીગરોને વેચાણ માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું છે. આ મહિલાઓએ બનાવેલી શ્રીજીની પ્રતિમાનું વેચાણ અને પ્રમોશન થાય છે તે માટે હોર્ડીંગ્સ, ટીવી. કવીકી, રેડિયો જિંગલ, ડીજીટલ મીડિયા જેવા વિવિધ પ્રચાર અને પ્રસારના માધ્યમો દ્વારા જાહેરાત, શાળામાં માટીની મૂર્તિ બનાવવા માટેના જીવંત પ્રદર્શન કરવામાં આવી રહી છે.
સરકારે પર્યાવરણની જાળવણી અને મહિલાઓને રોજીરોટી મળે તે માટે શ્રીજીની પ્રતિમા બનાવવા માટેની માટી ભાવનગરથી લાવવામા આવે છે તે આ કલાકારોને 50 ટકા ભાવમાં આપવામા આવે છે અને ત્યારબાદ ખાસ તાલીમ આપવામાં આવે છે અને મેળા સમયે રોજ એક હજાર રૂપિયા પણ આપવામાં આવે છે. જેના કારણે શહેરમાં માટી ની પ્રતિમા બનાવવાને પ્રોત્સાહન મળી રહ્યું છે અને સાથે મહિલાઓને રોજીરોટી પણ મળી રહી છે.