દમણના વરકુંડ ખાડીમાં માછલા પકડવા ગયેલો યુવાન તણાયો
- ગામના જ ત્રણ યુવાનો ખાડીમાં માછીલા પકડી રહ્યા તે વેળા ઘટના બની
- ખાડીમાં લાપત્તા યુવાનની બોડથી સઘન શોધખોળ હાથ ધરાઇ
વાપી,તા.28 જુન 2023,બુધવાર
દમણના વરકુંડ ગામે ખાડીમાં આજે બુધવારે સવારે માછલા પકડી રહેલા ગામના જ ત્રણ પૈકી એક યુવાન ધસમસતા પાણીના વ્હેણમાં તણાય ગયો હતો. ઘટનાને પગલે પોલીસ અને લાશકરો દોડી ગયા બાદ બોટની મદદથી યુવાનની શોધખોળ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર દમણના મીટનાવાડમાં રહેતા નિકુલ મિટના (ઉ.વ.24) અને બે યુવાનો ગામમાંથી પસાર થતી ખાડી પર ગયા હતા. બાદમાં ત્રણેય માછલા પકડવાની કામગીરી કરી રહ્યા હતા. તે વેળા પાણીના ધસમસતા વ્હેણમાં અચાનક નિકુલ તણાય જતા બન્ને મિત્રોએ તુરંજ પોલીસને જણ કરી હતી. બનાવને લઇ ગામ લોકો, પરિવારજનો અને પોલીસની ટીમ દોડી ગઇ હતી. ફાયર વિભાગના લાશકરો પણ પહોંચી ગયા બાદ બોટની મદદથી લાપત્તા નિકુલ મિટનાની શોધખોળ આદરી હતી. જો કે હાલ નિકુલની કોઇ ભાળ મળી નથી.