સુરતમાં મહિલા હોમગાર્ડનો રૂ.74 હજારનો આઈફોન 15 ઝુંટવી બાઈક સવાર ફરાર

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
સુરતમાં મહિલા હોમગાર્ડનો રૂ.74 હજારનો આઈફોન 15 ઝુંટવી બાઈક સવાર ફરાર 1 - image

image : Socialmedia

- લીંબાયત પોલીસ મથકમાં ફરજ બજાવતી 24 વર્ષીય જીનલ રાવલીયાએ બે અઠવાડીયા અગાઉ જ આઈફોન 15 ખરીદ્યો હતો 

- મિત્ર સાથે સાળંગપુર જવા નીકળેલી જીનલ ગોડાદરા સત્યમ શિવમ હાઇટ્સના ગેટ સામેથી પસાર થતી હતી ત્યારે શુક્રવારે રાત્રે બનાવ બન્યો 

સુરત,તા.10 ઓક્ટોબર 2023,મંગળવાર 

સુરતના લીંબાયત પોલીસ મથકમાં ફરજ બજાવતી 24 વર્ષીય મહિલા હોમગાર્ડ મિત્ર સાથે સાળંગપુર જવા શુક્રવારે રાત્રે ગોડાદરા સત્યમ શિવમ હાઇટ્સના ગેટ સામેથી પસાર થતી હતી ત્યારે તેણે બે અઠવાડીયા અગાઉ જ ખરીદેલો રૂ.74 હજારનો આઈફોન 15 ઝુંટવી બાઈક સવાર ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરા સુમન સંગીની આવાસ બી/301 માં રહેતી 24 વર્ષીય જીનલ પંકજભાઈ રાવલીયા લીંબાયત પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જીનલે ગત 23 સપ્ટેમ્બરના રોજ રૂ.74 હજારનો આઈફોન 15 ખરીદ્યો હતો. જીનલ મિત્ર નિતીન સાથે બોટાદ સાળંગપુર મંદિરે દર્શન કરવા જવાનું હોય ગત છઠ્ઠીના શુક્રવારે રાત્રે 10 વાગ્યે ઘરેથી નીકળી હતી. જીનલ મગોબ બીઆરટીએસ પાસેથી ચાલતી જતી હતી ત્યારે સત્યમ શિવમ હાઇટ્સના ગેટ સામે નિતીનને ફોન કરવા તેણે આઈફોન પેન્ટના ખિસ્સામાંથી બહાર કાઢ્યો ત્યારે પાછળથી મોઢા પર રૂમાલ બાંધી બાઈક પર આવેલો અજાણ્યો તેનો આઈફોન ખેંચી ભાગ્યો હતો.

જીનલે ચોરચોરની બૂમો પાડતા લોકો દોડી આવ્યા હતા પણ બાઈક સવાર સંસ્કૃતિ માર્કેટથી જમણી બાજુ ટર્ન લઈ ગોડાદરા કેપિટલ સ્કવેર તરફ ભાગી ગયો હતો. આ અંગે જીનલે કરેલી ઈ-એફઆઇઆરના આધારે ગોડાદરા પોલીસે ગતરોજ અજાણ્યા બાઈક સવાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News